અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરમાં જ્યાં એક તરફ સ્વાઈનફલૂ વકર્યો છે અત્યાર સુધીમાં કુલ ૩૩૦થી વધુ કેસ અને ૩૬ લોકોના જીવ સ્વાઈનફલૂના કારણે જઈ ચુકયા છે આ પરિસ્થિતિમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશર દ્વારા ટ્‌વીટર પર ટ્‌વીટ કરી લોકોને સ્વાઈનફલૂ મટાડવા ઉકાળો પીવાની સલાહ આપતા જ ઉગ્ર વિવાદ સર્જાવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે ,અમદાવાદ શહેરમાં આ માસના પહેલા ૧૦ દિવસની અંદર સ્વાઈનફલૂના કુલ મળીને ૧૫૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ આ માસમાં ૧૫ લોકોના મોત થયા છે.આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ મળીને ૩૩૦ કેસ અને ૩૬ લોકોના આ રોગને લઈને મોત થવા પામ્યા છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે પોતાના ટ્‌વીટર પરના એકાઉન્ટ ઉપર સિમ્પલ રેસીપી એએમસી કરીને ઉકાળો બનાવવાની રીત મુકતા ઉગ્ર વિવાદ સર્જાવા પામ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર જેવા એક જવાબદાર અને આઈ.એ.એસ. કક્ષાના અધિકારી સ્વાઈનફલૂ જેવો રોગ કેટલી ઝડપથી તબીબોના પણ કાબૂ બહાર જતો રહે છે એ વાત સારી રીતે જાણતા હોવા છતાં અમદાવાદ શહેરના લોકોને સ્વાઈન ફલૂથી બચવા કે તેને મટાડવા ઉકાળો બનાવવાની રીત ટ્‌વીટર પર મુકવામા આવતા ઘણા બધા લોકોએ તેમની ટ્‌વીટ સામે વિરોધનો સુર પણ વ્યકત કર્યો છે.કેટલાકે તો એમ પણ કહ્યુ કે,કાલે ઉઠીને મ્યુનિસિપલ કમિશનર એમ કહેશે કે,ભૂવા પાસે જઈ દોરો બંધાવી લો ડેન્ગ્યુ મટી જશે.મ્યુનિસિપલ કમિશનર જેવા વ્યકિત સ્વાઈનફલૂ મટાડવા એલોપેથી પધ્ધતિથી ઉપચાર કે સારવાર કરાવવાનો આગ્રહ રાખતા હોવા જોઈએ એના બદલે ઉકાળો અપનાવવાની સલાહ આપતા હોઈ ઉગ્ર વિરોધ લોકો દ્વારા વ્યકત કરવામા આવ્યો છે.