અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરમાં જ્યાં એક તરફ શહેરના ૨૦૨ કિલોમીટરના રસ્તા તુટી જવા પામ્યા છે એને લઈને શહેરીજનો ત્રસ્ત બન્યા છે આ ઉપરાંત શહેરમાં આ માસની શરૂઆતથી જ જે પ્રમાણે રોગચાળાની પરિસ્થિતિને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ પરિસ્થિતમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આજે ૧૮ જેટલા ઉચ્ચ અધિકારીઓને રાત્રી દરમિયાન રાઉન્ડ લઈ બીજા દિવસે બપોર સુધીમાં મેઈલ દ્વારા રિપોર્ટ આપવા કડક આદેશ કર્યો છે.આ અગાઉના કમિશનર દ્વારા પણ આ પ્રકારે આદેશ કરવામા આવ્ય હતા છતાં પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો ન હતો.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ ઉભી થયેલી રસ્તા અને રોગચાળાની પરિસ્થિતિમાં હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે નાગરીકોને પુરી પાડવામાં આવતી રોડ, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઈટ, હેલ્થ, રખડતા ઢોર, ફાયર વિભાગ સહિતની સેવાઓનું મોનીટરીંગ કરવા માટે ૧૮ જેટલા ઉચ્ચ અધિકારીઓ કે જેમાં જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,ઈજનેર વોટર પ્રોજેકટ,રોડ પ્રોજેકટ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામને રાત્રી દરમિયાન રાઉન્ડ લઈ ક્યાં શુ પરિસ્થિતિ છે તે અંગેનો રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. અધિકારીઓએ તેમના રાઉન્ડ દરમિયાન સ્ટાફની હાજરી ઉપરાંત મ્યુનિસિપલ મિલકતોની ચકાસણી, સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટની સ્થિતિ કચરા ઉપરાંત શહેરમાં ભારે વરસાદને લઈને ખરાબ થઈ ગયેલા રસ્તાઓનુ પણ નિરિક્ષણ કરવાનુ રહેશે, કમિશનરે આ તમામને ફરજ સોંપવાની સાથે એમ પણ કહ્યુ છે કે,તમામે બીજા દિવસે બપોરે બાર સુધીમાં તેમના રાઉન્ડ અંગેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને મોકલવાનો રહેશે.આ અગાઉ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડી.તારાના સમયમાં પણ આ પ્રકારનો આદેશ કરવામા આવ્યો હતો પરંતુ તેમની બદલી થતા અધિકારીઓ રાઉન્ડમાં ગયા જ નહતા.