(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમા વર્ષ-૧૯૯૫ની બેચના આઠ જેટલા અધિકારીઓને બઢતી આપી ડેપ્યુટી એચ.ઓ.ડી.માંથી એચ.ઓ.ડી તરીકે બઢતી આપવાની દરખાસ્તને મંજુરી આપવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા થોડા સમય અગાઉ સ્માર્ટસિટી પ્રોજેકટ માટે ખોલવામા આવેલી કંપનીમાં બે એચ.ઓ.ડી.ની જગ્યા ઉભી કરવામા આવ્યા બાદ એવો વિવાદ સર્જાવા પામ્યો હતો કે પોતાના મળતીયાઓને ગોઠવવા માટે થઈને સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે એચ.ઓ.ડી.ની બે જગ્યા ખોલવામા આવી છે.બીજી તરફ વર્ષ-૧૯૯૫માં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવવર્માના શાસનકાળ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૬ જેટલા આસિસ્ટન્ટ મેનેજરોની ભરતી કરવામા આવી હતી.આ આસિસ્ટન્ટ મેનેજરોને સમય જતા જે તે ખાતાના ડેપ્યુટી તરીકેના પ્રમોશન આપી દેવામા આવ્યા હતા ઉપરાંત તેમની પાસેથી વધારામાં ઈન્ચાર્જ તરીકે એચ.ઓ.ડી.ની કામગીરી પણ લેવામા આવી રહી હતી.એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા વર્ષોથી ભરતીની પ્રક્રિયા સ્થગિત કરી દેવામા આવી છે.બીજી તરફ દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં વિવિધ હોદ્દાઓ ઉપરથી કર્મચારીઓ અને અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હોઈ અધિકારીઓ ઉપર પણ કામનુ ભારણ સતત વધતુ રહ્યુ છે.અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના મોટાભાગના વિભાગોમા આઉટ સોર્સિંગ દ્વારા જરૂરી સ્ટાફ મેળવીને કામગીરી કરાવવાનો નવો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે આજે મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં ભાવિન પંડ્યા,હીનાબેન ભાથાવાલા, પ્રશાંત પંડ્યા, યોગેશ મૈત્રક, પથિક શાહ, દેબાશિષ બેનરજી, જયંતિ કુકડીયા અને મનિષ ત્રિવેદીને બઢતી આપી એચ.ઓ.ડી. બનાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આ પૈકી કેટલાક સામે ભૂતકાળમા તપાસો ચાલતી હતી જેનો ઉકેલ ન આવ્યો હોઈ આવા લોકોને બઢતી આપવાનો નિર્ણય વિવાદી બની શકે એમ હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.