(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે શુક્રવારે વસ્તુ તેમજ સેવા કર (જીએસટી)માં આઠ કરવેરાને ભાજપા સરકારનો મુર્ખતાભર્યો વિચાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, જીએસટી રિટર્ન ભરવું એ એક ખરાબ સ્વપ્ન બની ગયું છે. પૂર્વ નાણામંત્રીએ ટવીટ કરીને કહ્યું કે, જુલાઈ ર૦૧૭માં પહેલીવાર લાગુ પાડવામાં આવેલા જી.એસ.ટી. હેઠળ આઠ કરવેરા લાગુ પાડવાનો ભાજપાનો વિચાર એક મુર્ખતાભર્યો વિચાર હતો. જો જીએસટી, પરિષદ શનિવારે રિટર્ન ભરવાની બાબતને સરળ બનાવવાના મુદ્દા પર ચર્ચા કરે છે તો તેનો અર્થ છે કે, ગત ૧૮ મહિનાઓમાં રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ નહોતી. હકીકતએ છે કે જીએસટી રિટર્ન ભરવું એ એક ખરાબ સ્વપ્ન સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મેં કહ્યું હતું કે, જીએસટીમાં એક વેરો હોવો જોઈએ. તો તેનો અર્થ એ છે કે જીએસટીનો પ્રમાનક વેરો એક જ સરખો હોવો જોઈએ તે તદ્દન યોગ્ય છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમમાં આર.એન.આર. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જયારે માનક વેરો હોય છે ત્યારે માનક શુન્ય દર અને માનક પ્લસ દર પણ હશે. આ પ્રાથમિક બાબત છે. મુર્ખતા નહીં. મંગળવારે પી.એમ. મોદીએ મુંબઈમાં એક સમારંભમાં કહ્યું હતું કે, સરકારે ૯૯ ટકા વસ્તુઓને ૧૮ ટકા જીએસટી સ્લેબની નીચે લાવવાનું લક્ષ્ય સેવ્યું છે.