મોહાલી,તા.૧૨
મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝની ચોથી મેચ રમાઈ હતી જેમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ચહલે ૧૦ ઓવરમાં ૮૦ રન આપીને માત્ર ૧ વિકેટ લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૩૫૯ રનોનો વિશાળ લક્ષ્ય આપવા છતા હારનો સામનો કરવો પડ્યો હતો.આ મેચ બાદ ચહલના ખરાબ પ્રદર્શનને લઈ કેટલાક ક્રિકેટ એક્સપટ્‌ર્સે ચહલની ટીકા કરી હતી. જ્યારે બીજી તરફ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને ચહલના વખાણ કરી તેને ચેમ્પિયન ગણાવ્યો છે અને કહ્યું છે કે,‘તેઓ માત્ર માનવી છે રોબોટ નથી.’ મુથૈયા મુરલીધરને તેમના નિવેદનમાં કહ્યું કે,‘તમે એક ખેલાડીથી આ અપેક્ષા ન રાખી શકો કે તે જ્યારે પણ મેદાન પર મેચ રમવા ઉતરશે તો પાંચ વિકેટ લેશે. ચહલ એક ચેમ્પિયન બોલર છે અને છેલ્લા બે વર્ષથી સારી બોલિંગ કરી રહ્યા છે.’
ઉપરાંત મુરલીધરને કહ્યું કે,‘ચહલ પાસે વિવિધતા છે અને વિપક્ષી બેટ્‌સમેનને હેરાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ માત્ર એક મેચમાં નિષ્ફળ થવાની વાત છે વિશ્વાસ રાખો, તેઓ રોબોટ નથી.’