(એજન્સી) તા.ર
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની અને હાથીની પ્રતિમાઓ પર પૈસા ખર્ચ કરવા મામલે પોતાનું સોગંદનામું દાખલ કર્યું. તેમણે શહેરોમાં પોતાના દ્વારા બનાવાઈ ગઈ મૂર્તિઓની સ્થાપનાને યોગ્ય ગણાવીને કહ્યું કે આ લોકોની ઈચ્છા હતી. માયાવતીએ સોગંદનામામાં કહ્યું છે કે, વિધાનસભાની ઈચ્છાનું ઉલ્લંઘન કેવી રીતે કરું ? આ પ્રતિમાઓના માધ્યમથી વિધાનમંડળે આદર વ્યક્ત કર્યો હતો.
મહત્ત્વનું છે કે, મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન આ મૂર્તિઓ માટે તેમની તરફથી બજેટની યોગ્ય ફાળવણી કરાઈ હતી. સાથે જ તેમણે કહ્યું કે, આ પૈસા શિક્ષણ પર ખર્ચ કરવો જોઈએ કે હોસ્પિટલ પર. એ એક ચર્ચાનો સવાલ છે અને તેને કોર્ટ દ્વારા નક્કી કરી ન શકાય. પ્રતિમાઓ લોકોને પ્રેરણા આપવા માટે બનાવાઈ ગઈ હતી.
તેમણે હાથીઓની પ્રતિમાઓ પર કહ્યું કે આ પ્રતિમા માત્ર વાસ્તુશિલ્પની બનાવટ છે. અને તે બસપાના પ્રતીક ચિહ્‌નનું પ્રતિનિધિત્વ નથી કરતી. માયાવતીએ પોતાના સોગંદનામામાં એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, અનુસૂચિત જાતિના નેતા દ્વારા બનાવાયેલી મૂર્તિઓ પર જ કેમ સવાલ થાય છે.