(સંવાદદાતા દ્વારા) જંબુસર, તા.૩૧
જંબુસર એસ.ટી.ડેપોમાં એસ.ટી.ની અનિયમિતતાના કારણે અટવાયેલા વિદ્યાર્થીઓએ તથા નોકરીયાતો ધંંધાર્થે અપડાઉન કરતાં પ્રજાજનોએ વહેલી સવારે જંબુસર એસ.ટી.ડેપો ખાતે ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો.
જંબુસર નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વડોદરા તથા ભરૂચ જાય છે. તેમજ તાલુકાના નોકરીયાતો તથા વહેપારીઓ પણ ધંધાર્થે વડોદરા તથા ભરૂચ જાય છે. તેમજ તાલુકાના નોકરીયાતો તથા વેપારીઓ પણ ધંધાર્થે વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, વાપી સુધી જતાં હોય જંબુસર એ તાલુકાનું મથક છે. પરંતુ વહેલી સવારમાં એસ.ટી. બસોની અનિયમિતતાના કારણે તેઓ અભ્યાસથી – નોકરીથી વંચિત રહે છે. સત્તાધિશોની અણઆવડતને લઈ પ્રજાજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈ મુસાફરોમાં એસ.ટી.તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો. અનિયમિત બસોને લઈ વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ નિવેડો નહીં આવતાં આજે સવારે ૬.૩૦ના સુમારે જંબુસર એસ.ટી.ડેપોમાં એક્ત્ર થયેલા વિદ્યાર્થીઓ તથા નોકરીયાતોએ ચક્કાજામ કરી એસ.ટી.બસોનું પરિવહન અટકાવી દીધું હતું જેથી હોબાળો મચી જવા પામ્યો હતો. બીજી તરફ એસ.ટી.ડેપોના સત્તાધિશો પોતાનો મોબાઈલ ફોન બંધ કરી મીઠી નિંદર માણી રહ્યા હતા. ૬.૩૦થી શરૂ થયેલ ચક્કાજામ ૮.૦૦ કલાક સુધી યથાવત્‌ રહ્યું હતું. ત્યાં સુધીમાં તો એસ.ટી.ડેપોમાં તથા ડેપોની બહાર લાંબી કતારો લાગી ગઈ હતી. વિદ્યાર્થીઓ તથા નોકરીયાતોના ચક્કાજામના પગલે જંબુસર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને શાંત પાડી પરિવહન નિયમિત કરવા દરમ્યાનગીરી કરી હતી તો એસ.ટી.ડેપો મેનેજર કલ્પેશ પટેલ તથા એ.ટી.એસ. મુન્શી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચક્કાજામ કરી રહેલા વિદ્યાર્થીઓ તથા નોકરીયાતોને સમજાવીને ટૂંક સમયમાં સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપતા ચક્કાજામ સમેટાયું હતું અને એસ.ટી.બસોનું પરિવહન રાબેતા મુજબ ચાલુ થયું હતું.