અમદાવાદ,તા.૧૮
ગુજરાત વિધાનસભાના સત્રમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પુલવામાની ઘટના અંગે શોકદર્શક પ્રસ્તાવમાં તેમની લાગણી વ્યકત કરી જણાવ્યું હતું કે પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં ઈસ્લામ ધર્મ અને મુસ્લિમોને ધક્કો લગાડીને બદનામ કરવાનું કાર્ય કર્યું છે. આવી કાયરતાભરી આતંકવાદી પ્રવૃતિઓને દબાવી દેવા મજબૂતીથી સંકલ્પ કરવો પડશે. આજરોજ ગૃહમાં ગૃહના પૂર્વ સભ્યો મનોહરસિંહ જાડેજા, પ્રવિણસિંહ ગોહિલ, જીતસિંહ પરમાર, પ્રેમજી વડલાણી, ભગવાનસિંહ ચૌહાણ, જયંતીલાલ ભાનુશાળી સહિત તાજેતરમાં પુલવામામાં બનેલ આતંકવાદી ઘટનામાં શહીદ થયેલ ૪૪ જેટલા શહીદ જવાનોનો શોકદર્શક પ્રસ્તાવ રજૂ થયો હતો. તેમાં શૂર પુરાવતા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ૧૪મી ફેબ્રુઆરીની ઘટનાથી ભારતની ૧૩૦ કરોડની જનતામાં જબરજસ્ત આક્રોશ છે અને સાથોસાથ ઉંડા દુઃખની લાગણી પ્રવર્તી રહી છે. આ ઘટના અંગે આખા દેશમાં જે રીતે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે એ જોઈને લાગે છે કે દેશના લોકો કહી રહ્યા છે કે, આ કૃત્ય કરનારા શેતાની તત્વો છે. આ કૃત્ય કરનાર દેશ પાકિસ્તાન કે જે ખાડે ગયેલો દેશ છે અને આતંકવાદી રાષ્ટ્ર છે. જાણે છે કે એ ભારત સાથે સીદી રીતે લડી શકે તેમ નથી, જેટલી એની પ્રજા છે એનાથી વધારે ભારતની આર્મી છે. પાકિસ્તાન હંમેશા કાયરતાપૂર્વક અને પ્રોકસીવોરથી ભારતને પરેશાન કરવાના પ્રયત્નો કરે છે. ટીવી પર જયારે આપણે સૈનિકોને શ્રધ્ધાંજલિ આપતા જોઈએ, એમના પરિવારજનોને આક્રંદ કરતા જોઈએ ત્યારે લોકોના દિલ દ્રવી ઉઠે છે. કોંગ્રેસ પક્ષ અને દેશની ૧૩૦ કરોડની જનતા સરકારને સમર્થન આપે છે. વડાપ્રધાનને સમર્થન આપીને એકી અવાજે કહી રહ્યા છે કે, હવે બહુ થયું, ‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે’ સરકારે કનેહપૂર્વક વિચારી, વ્યવસ્થિત રણનીતિ કરી, આવી કાયરતાભરી આતંકવાદી પ્રવૃતિઓને દબાવી દેવા મજબૂતીથી સંકલ્પ કરવો પડશે અને એવો સંકલ્પ કરીને ભારતના તમામ લોકો એક સંપ થઈને દેશની રક્ષા માટે કઠોર અને રણનીતિપૂર્વકના પગલાં લેવા પડશે, જેથી પાકિસ્તાન આવા નાપાક કૃત્યો બંધ કરે.