(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૯
પાકિસ્તાનન પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરફે આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાને સૌથી પસંદગીના આતંકવાદી સંગઠન ગણાવ્યાં છે. સાથે કહ્યું કે તેઓ લશ્કરના સૌથી મોટો સમર્થક છે. સાથે કહ્યું પણ ખરૂ કે તેઓ હાફિઝ સઈદને પસંદ કરે છે. પાકિસ્તાન ટીવી એઆરવાયના ટીવી કાર્યક્રમમાં બોલતાં મુશરફે માન્યું કે હાફિઝ સઈદ તેમને પસંદ કરે છે. ૨૬-૧૧ ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ પર વાત કરતાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે કાશ્મીરમાં સઈદની ઘુસણખોરીને તે પસંદ કરે છે. જમાત ઉદ દાવા સંગઠનને પણ તે પસંદ કરે છે. તેમણે આગળ કહ્યું કે હું હાફિઝ સઈદને મળી ચૂક્યો છું. હમણાના દિવસોમાં મારી હાફિઝ સાથે મુલાકાત થઈ હતી. હું કાશ્મીરની કાર્યવાહીનો સમર્થક રહ્યો છું. હું હમેંશાથી તેમની કાર્યવાહીના સમર્થનમાં રહ્યો છું. કારણ કે ભારતીય સેનાને અમારે દબાવવાની છે. આ સૌથી મોટો દબાણ છે. ભારતે અમેરિકાની સાથે મળીને હાફિઝને આતંકવાદી જાહેર કરાવી દીધો. મુશરફે આ દરમિયાન કહ્યું કે હા, મને ખબર છે કે હાફિઝ સઈદ કાશ્મીરમાં સક્રિય રહે છે. કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચે છે. એન્કર દ્વારા પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે હાફિઝ સઈદ મુંબઈ હુમલામાં સામેલ નહોતો. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં પાકિસ્તાન સરકારે નજરકેદ રહેલા હાફિઝ સઈદને છોડી મૂક્યો હતો. જે પછી હાફિઝે કહ્યું હતું કે તે કાશ્મીરની આઝાદી માટે પાકિસ્તાનમાંથી લોકો ભેગા કરશે અને કાશ્મીરીઓને આઝાદી મેળવવમાં સહાય કરશે. આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ અમેરિકાએ જમાત ઉદ દાવાના પ્રમુખ એક કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરી રાખી છે. પાકિસ્તાન સરકારે મુંબઈ હુમલાના કેસમાં સઈદને વધારે સમય સુધી અટકાયતમાં ન રાખવાનો નિર્ણય લીધો છે. તે આ વર્ષના જાન્યુઆરીથી અટકાયતમાં હતો.