(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૧૦
આણંદ જિલ્લાનાં ખેરડા ગામે કોમી જુથ અથડામણ બાદ કટ્ટરવાદી તત્વોની દહેસતથી છેલ્લા ૧૫ દિવસથી ૪૦ પરિવારો હિજરત કરીને વ્હેરાખાડી ગામે રાહત કેમ્પમાં આશ્રય લઈ રહ્યા છે, જેઓની આજે અમદાવાદનાં મુસ્લિમ ધારાસભ્યો સહિત અગ્રણીઓએ મુલાકાત લઈ અસરગ્રસ્તોની વ્યથા સાંભળી હતી અને ત્યારબાદ કલેકટરની મુલાકાત લઈ કલેકટરને આવેદનપત્ર આપીને અસરગ્રસ્તોને સહાય ચુકવવા તેમજ પુનઃ વસન કરાવી ન્યાય આપવા માંગણી કરી હતી.
તાજેતરમાં ખેરડા ગામે કોમી અથડામણ થયા બાદ કટ્ટરવાદી તત્વોએ મચાવેલા આંતકનાં કારણે ૪૦થી વધુ મુસ્લિમ પરિવારો હિજરત કરીને વ્હેરાખાડી ગામે છેલ્લા ૧૫ દિવસથી રાહત કેમ્પમાં આશ્રય લઈ રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા તેઓને કોઈ સહાય આપવામાં આવી નથી, જેને લઈને આજે અમદાવાદનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, એડવોકેટ ઈકબાલ શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા બદરૂદ્દીન શેખ, કોર્પોરેટર ઈકબાલ શેખ, જુનેદ શેખ, સુબામીંયા કાદરી, હબીબ શેખ સહિતનાં પ્રતિનિધી મંડળએ વ્હેરાખાડી ગામે રાહત કેમ્પની મુલાકાત લઈને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અને તેઓની વ્યથા અને તેઓની વિતક કથા સાંભળી હતી અને તેઓને ન્યાય મળે તે માટે તમામ પ્રયાસો કરવાની અને તેઓની તમામ લડતમાં સમગ્ર મુસ્લિમ સમાજ સાથે હોવાનું જણાવ્યું હતુંં.
ધારાસભ્ય ઈકબાલ શેખ, ઈમરાન ખેડાવાલા સહિતનાં પ્રતિનીધી મંડળએ આણંદનાં કલેકટર દિલીપ રાણાને મળીને આવેદનપત્ર આપીને ખેરડા ગામનાં અસરગ્રસ્તોને સહાય આપવા તેમજ અસરગ્રસ્તોને સુરક્ષા આપવા તેમજ ઈજાગ્રસ્તોને વળતર ચુકવવાની માંગ કરી હતી. એડવોકેટ ઈકબાલ શેખએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તો છેલ્લા ૧૫ દિવસથી પોતાનાં ઘરે પરત ફરી શકતા નથી ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાકીદનાં ધોરણે વિસ્થાપીતોને તેઓનાં ગામમાં સુરક્ષા સાથે પરત જઈ શકે અને ગામમાં એકતા અને કોમી એકતાનું વાતારવણ સર્જાય તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે આણંદનાં મુસ્લિમ અગ્રણીઓ એમ જી ગુજરાતી, ઐયુબભાઈ બતોલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી, કલેકટર દિલીપ રાણાએ આ અંગે તાકીદે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.