(એજન્સી) આઝમગઢ, તા.૧૭
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં પોલીસે એક વ્યક્તિની ગૌહત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પરંતુ તે વ્યક્તિના નિર્દેશ હોવાની જાણકારી મળતા પોલીસે કેસને રદ કરતા આરોપી વ્યક્તિને ટૂંક જ સમયમાં મુક્ત કરવાની વાત કહી છે. હાલમાં આરોપી વ્યક્તિ આઝમગઢ જેલમાં કેદ છે. સમાચાર અનુસાર આઝમગઢ શાહપુર બજાર વિસ્તારના રહેવાસી મોહમ્મદ મકસૂદ (૪૦)ની ગત રવિવારે પોલીસે ગૌહત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. જો કે પોલીસને સૂચના મળી હતી કે કોઈ વ્યક્તિ એક બળદને મારવા માટે લઈ જઈ રહ્યો છે. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી મોહમ્મદ મકસૂદની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મકસૂદનું વાહન પણ સીજ કરી દીધું હતું. પોલીસે તેની વિરૂદ્ધ ઉત્તરપ્રદેશ પ્રવેંશન ઓફ કાઉ સ્લોટર એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. મકસૂદની ધરપકડ બાદ સુશીલકુમાર દુબે નામનો એક સ્થાનિક વ્યક્તિ પોલીસ પાસે પહોંચ્યો અને તેણે જણાવ્યું કે, મકસૂદ માત્ર ઘાયલ બળદને તેમની ગૌશાળામાં લઈ જઈ રહ્યો હતો. તેમણે જ મકસૂદને આવું કરવા માટે કહ્યું હતું ત્યારબાદ પોલીસે બીજા અન્ય લોકો સાથે પૂછપરછ કરી તો તેમને પોતાની ભૂલનો આભાસ થયો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, મકસૂદને ધરપકડ બાદ છોડી દેવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક લોકોના દબાણ બાદ મકસૂદની ફરીથી ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યાં મકસૂદના પરિવારના લોકોનું કહેવું છે કે તે નિર્દોષ છે અને તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. તેમણે મકસૂદની ધરપકડના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું. પોલીસનું કહેવું છે કે મકસૂદનો કોઈ અપરાધિક ઈતિહાસ નથી અને તેની વિરૂદ્ધ કોઈ કેસ પણ દાખલ નથી.