(એજન્સી) તા.ર૬
કહેવાય છે કે ભીડનો કોઈ ચહેરો, દીન-ધર્મ નથી હોતો અને આ વાતનો ફાયદો હંમેશા હિંસા કરનારી ભીડ ઉઠાવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે, આ ભીડને એકઠી કોણ કરે છે ? તેને ઉત્તેજીત કોણ કરે છે ?
જવાબ આપણે સૌ જાણીએ છીએ છતાંય મૌન છીએ. ભય એ વાતનો છે કે, જો કાયદો દરેક હાથનું રમકડું બની જશે તો પછી પોલીસ, ન્યાયતંત્ર અને ન્યાય માત્ર શબ્દો જ રહી જશે.
મોહંમદ અખ્લાકથી લઈ અકબરખાન સુધી. ગત ૪ વર્ષોમાં મોબ લિંચિંગના ૧૩૪ કેસ નોંધાયા છે. તેમજ એક અહેવાલ મુજબ ર૦૧પથી અત્યારસુધી ૬૮ લોકો ભીડના હાથે મૃત્યુ પામ્યા છે ત્યારે દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ આ ઘટનાઓની ટીકા કરવાને બદલે સંસદમાં કહે છે કે, સૌથી મોટી લિંચિંગની ઘટના તો દેશમાં ૧૯૮૪માં થઈ હતી.
બીજી તરફ દેશના વડાપ્રધાન આ ઘટનાઓની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ મુદ્દાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આકરી ટીકા પણ વિચિત્ર શબ્દ છે. જો આ શબ્દ શબ્દકોષમાં ન હોત તો ખબર નહીં શેની આડમાં આપણા રાજકારણીઓ પોતાની નિષ્ફળતાઓ છૂપાવત. ભારતના વિવિધ ક્ષેત્રોમાં મોટાભાગે ગૌરક્ષાના નામે તેમજ લવજિહાદ, દલિતો સાથે ભેદભાવ વગેરે કારણોસર ટોળા દ્વારા હિંસાના બનાવો જોવા મળ્યા છે.
વર્ષ ર૦૧૪થી ર૦૧૮ સુધી ગૌરક્ષાના નામે થયેલ ૮૭ હુમલાઓમાં મોટેભાગે મુસ્લિમોને શિકાર બનાવાયા. જ્યારે ર૦ ટકા કેસોમાં પીડિતની ધર્મ-જાતિ જાણી શકાઈ નથી. તેમજ ૧૧ ટકા હુમલાઓમાં દલિતોએ હિંસાનો સામનો કરવો પડ્યો. ગૌરક્ષકોએ હિન્દુઓને પણ બાકાત ન રાખ્યા. ૯ ટકા ઘટનાઓમાં તેમને પણ શિકાર બનાવાયા. આદિવાસીઓ અને શીખો પણ ૧ ટકા હુમલાઓનો ભોગ બન્યા.
પરંતુ આ લોકો કોણ છે ? કેવી રીતે અચાનકથી આટલા બધા લોકો એકસાથે એક જ ઉદ્દેશ્ય સાથે એકત્રિત થઈ જાય છે ? અત્યારસુધી આ ભીડનો શિકાર બની પોતાના જીવ ગુમાવનાર લોકોની વાત કરીએ તો.
– ર૦ મે, ર૦૧પ : રાજસ્થાન
મીટ શોપ ચલાવતા એક ૬૦ વર્ષીય વૃદ્ધની ભીડે લોખંડના સળિયા અને દંડાથી માર મારી હત્યા કરી
– ર ઓક્ટોબર, ર૦૧પ : ઉત્તરપ્રદેશ
કેટલાક ગૌરક્ષકોએ ભેંસો લઈ જતા ત્રણ શખ્સોની માર મારી હત્યા કરી હતી.
– ર૮ સપ્ટેમ્બર, ર૦૧પ : દાદરી, ઉત્તરપ્રદેશ
પર વર્ષના મોહંમદ અખ્લાકે બીફ ખાધું હોવાની શંકા સાથે ભીડે ઈંટો અને દંડા મારી તેમની હત્યા કરી.
– ૧૪ ઓક્ટોબર, ર૦૧પ : હિમાચલપ્રદેશ
રર વર્ષના યુવકની ગૌરક્ષકોએ ગૌ તસ્કરીની શંકા હેઠળ મારી મારી હત્યા કરી.
– ૧૮ માર્ચ, ર૦૧૬ : લાતેહર, ઝારખંડ
પશુઓને વેચવા બજાર લઈ જઈ રહેલા મઝલૂમ અન્સારી અને ઈમ્તિયાઝખાનને ભીડે ઝાડ સાથે લટકાવી મારી નાખ્યા.
– પ એપ્રિલ, ર૦૧૭ : અલવર, રાજસ્થાન
કહેવાતા ગૌરક્ષકોની ર૦૦ લોકોની ભીડે દૂધનો વ્યાપાર કરતા પહલુખાનની હત્યા કરી.
– ર૦ એપ્રિલ, ર૦૧૭ : આસામ
ગાય ચોરી કરવાના આરોપમાં ગૌરક્ષકોએ ર યુવકોની ઢોરમાર મારી હત્યા કરી.
– ૧ મે, ર૦૧૭ : આસામ
ગાય ચોરીનો આરોપ મૂકી ફરી એકવાર ગૌરક્ષકોએ બે યુવકોની હત્યા કરી.
– ૧રથી ૧૮ મે, ર૦૧૭ : ઝારખંડ
૪ અલગ-અલગ ઘટનાઓમાં ૯ લોકો ભીડની હિંસાનો શિકાર બની મૃત્યુ પામ્યા.
– ર૯ જૂન, ર૦૧૭ : ઝારખંડ
ગૌમાંસની હેરાફેરી સાથે ભીડે અલીમુદ્દીન ઉર્ફે અસગર અન્સારીની માર મારી હત્યા કરી.
– ૧૦ નવેમ્બર, ર૦૧૭ : અલવર, રાજસ્થાન
ગૌરક્ષકોએ ઉમરખાનની ગોળી મારી હત્યા કરી.
– ર૦ જુલાઈ, ર૦૧૮ : અલવર, રાજસ્થાન
ગાયની તસ્કરીની શંકામાં ભીડે અકબરખાનની માર-મારી હત્યા કરી.
શું આ આંકડાઓ જોઈને પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં આવા લોકો પર લગામ ખેંચવી ન જોઈએ જેમને કાયદો વ્યવસ્થા અને અદાલતો પર વિશ્વાસ નથી ? જે પોતે જ ન્યાયાલય અને પોતે જ કાયદો બની સરેઆમ લોકોના જીવન-મરણનો સ્વેચ્છાએ નિર્ણય લઈ લે છે.