(એજન્સી) લખનૌ, તા.૧૭
નગર નિગમ કાઉન્સિલર અબ્દુલ ગફ્ફાર ગાય લઈને નૌચંદી સ્ટેશન પહોંચી ગયા. કાઉન્સિલરે કહ્યું કે તેઓને હિન્દુ સંગઠનોથી જાનનો ખતરો છે. જેથી પોલીસ તેમની ગાયને પોલીસ સ્ટેશનમાં બાંધી દે અને હિન્દુ સંગઠનોને સોંપી દે. પોલીસે ગાયને કબજે લીધી અને થોડા સમય બાદ પોલીસ સ્ટેશનની નજીક રહેનાર એક વ્યક્તિએ ગાય પાળવાની ઈચ્છા બતાવી. પોલીસે ગાય તેને આપી દીધી. કાઉન્સિલરે પોલીસને એક પ્રાર્થના પત્ર પણ આપ્યો જેમાં તેઓએ લખ્યું કે પોતાના સંબંધી પાસેથી એક વાછરડો લીધો હતો તેને ખૂબ જ લાડથી ઉછેર્યો હતો. પણ એ ખબર ન હતી કે એક મુસ્લિમ માટે ગાયને પાળવી આટલી ખતરનાક રૂપ લઈ લેશે. કાઉન્સિલરે આગળ લખ્યું કે તેઓ મીડિયામાં જુએ છે કે ગાય પાળનાર પર હિન્દુ સંગઠન હુમલાઓ કરી રહ્યા છે. કોઈ દિવસ હિન્દુ સંગઠનના નેતા તેમના પર પણ હુમલો કરી જાનનો ખતરો ઊભો કરી શકે છે. જો કે તેઓ મારા ઘરે પણ ગાયની જાનનો ખતરો સમજી રહ્યા છે. ત્યાં જ સ્થાનિય મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારના રોજ ગાય લઈને પહોંચેલ કાઉન્સિલરે પોલીસને કહ્યું કે, ગાય પોલીસ સ્ટેશનમાં બાંધવામાં આવે અથવા તો પોલીસ પોતે ગાયને હિન્દુ સંગઠનોને સોંપી દે. પછી પોલીસે ગાયને પોતાના કબજે લીધા બાદ એક સ્થાનિય નિવાસીને આપી દીધી.