અમદાવાદ,તા.૮
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં ટવીટ કરીને જણાવ્યું છે કે મુસ્લિમ હોવું એ આ દેશમાં ગુનો છે.
ચૂંટણી દરમ્યાન હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા બાદ પણ ગુજરાતમાં ભાજપની સરકાર રચાઈ છે. તેમ છતાં હાર્દિકે તેની લડત ચાલુ જ રાખી છે. ત્યારે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ટવીટર ઉપર વધુ એક ટવીટ કરીને મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અને ભગવા ટોળકીને આડેહાથ લીધી છે. હાર્દિક પટેલે ટવીટમાં જણાવ્યું છે કે મુસ્લિમ હોવું તો આ દેશમાં ગુનો સમજવામાં આવે છે. પરંતુ હું તો હિન્દુ છું છતાંય ભગવા ટોળકી હાથ ધોઈને મારી પાછળ શા માટે પડી છે ? શું ફકત એટલા માટે કે અમે ‘સાહેબ’ને પડકાર ફેંકયો છે ? વધુ એક ટવીટમાં તેણે જણાવ્યું હતું કે દેશનો અસલી દુશ્મન બીજાને ગદ્દાર કહીને પોતાનો ડાઘ છુપાવી લે છે. અક્ષરધામ મંદિર જેવા કેટલાય આતંકવાદી હુમલાઓનો આરોપ મુસલમાનો ઉપર લગાવીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આવા તમામ લોકો નિર્દોષ છુટયા છે. તો પછી આ હુમલા કર્યા કોણે ? એટલે કે દેશના અસલી આતંકી બીજાને આતંકી બોલીને પોતાનો આતંક છુપાવી લે છે. વધુ એક ટવીટમાં હાર્દિકે જણાવ્યું છે કે ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનવાની સાથે જ મારા કોર્ટના ધક્કા વધી ગયા છે. જો હકીકતમાં આરોપી હોત તો જેલ અને કોર્ટના ચક્કરમાં નહીં પણ ભાજપમાં હોત. ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીશ. કેમ કે સરકાર, પોલીસ અને તંત્ર ઉપર તો મને વિશ્વાસ નથી. અન્ય એક ટવીટમાં હાર્દિકે કહ્યું કે આજથી મારા કેસ કોર્ટમાં ચાલવા લાગ્યા. જેમાં સરકારે કહ્યું કે હાર્દિક આંદોલનમાં વારંવાર ભગતસિંહની વાત કહે છે. ત્યારે મે કીધું કે હું ભગતસિંહ જેવો બનવા માંગુ છું એટલે મારા ઉપર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો. જો કે મેં ગોડસે બનવાની વાત કરી હોત તો આજે મારા ઉપર દેશદ્રોહનો કેસ થતો નહી.