(એજન્સી) તા.ર૦
એક હિન્દી માધ્યમની સરકારી શાળાની સૌથી યુવાન આઈપીએસ અધિકારી તરીકે નુરૂલ હસનની યાત્રા દેશના હજારો સનદી સેવા અભિલાષીઓ માટે પ્રેરણારૂપ છે. ઉત્તરપ્રદેશના પિલભિત જિલ્લાના હરરેપુર નામના નાનકડા ગામમાં જન્મેલા નુરૂલ હસને અથાગ પ્રયત્નો અને સખ્ત પરિશ્રમથી તેમનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત હિન્દી માધ્યમની એક સરકારી શાળામાં કરી હતી. જ્યાં તેમને છઠ્ઠા ધોરણમાં અંગ્રેજી બારાક્ષરી શીખવવામાં આવી. તેમણે પિલભિતના ભાઈસાહમાં આવેલી ગુરૂનાનક હાયર સેકન્ડરી સ્કૂલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી અને બરેલીમાં આવેલી મનોહર ભૂષણ ઈન્ટર કોલેજમાંથી ૧૦+રની પરીક્ષા પાસ કરી. હિન્દી માધ્યમના વિદ્યાર્થી હોવા છતાં તેમણે લગભગ બધા વર્ગોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. વર્ષ ર૦૦૯માં તેમણે અલીગઢ મુસ્લિમ યુનિ. સાથે સંલગ્ન ઝાકીર હુસેન કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાંથી બી.ટેકની પદવી મેળવી. એએમયુમાં રહીને તેમણે સનદી સેવા અને બાહ્ય વિશ્વ માટે તેમની પ્રતિભાનો વિકાસ કર્યો. અંગ્રેજી ભાષામાં નિપુણતા મેળવવા માટે નુરૂલ હસન અને તેમના મિત્રોએ એક ફોરમની રચના કરી જેમાં તેઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા, માર્ક ઈન્ટરવ્યુ, સમૂહગોષ્ઠિ વગેરેનું આયોજન કરતા હતા. નુરૂલ હસને સતત ચાર વર્ષ સુધી આ ફોરમમાં કામ કરી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. ત્યારબાદ તેમણે ચાર વર્ષ સુધી સિમેન્સ કંપનીમાં અને એક વર્ષ સુધી અણુ ઊર્જા પંચમાં કામ કર્યું જ્યાં તેમને લાગ્યું કે જો સમાજ માટે સારું યોગદાન આપવું હોય તો સનદી સેવાની પરીક્ષા માટે તૈયારી શરૂ કરવી પડશે. આમ, તેમણે વર્ષ ર૦૧૩માં પરીક્ષાની તૈયારી શરૂ કરી અને યુપીએસસી-સીએસઈ ર૦૧૪માં તેમણે ૬રપમું સ્થાન પ્રાપ્ત કર્યું. તે હાલમાં મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે.