(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૦
ધોરાજી તાલુકાના કલાણા અને ભાડેર વચ્ચે આવેલી સીમમાં ઘાતક હથિયારો સાથે ચાર શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા મુસાભાઈ ઈબ્રાહીમભાઈ સાંધનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ધોરાજી તાલુકાના કલાણા-ભાડેર ગામ વચ્ચે સીમ વિસ્તારમાં મુસાભાઈ ઈબ્રાહીમભાઈ સાંધે જમીન ભાગીયા તરીકે રાખી હતી. આ દરમ્યાન આજે સવારે સાત-સાડા સાતના અરસામાં મુસાભાઈ ઈબ્રાહીમભાઈ વાડીની નજીક કુદરતી હાજતે ગયા હતા તે દરમ્યાન જેન્તી છગન સાંગણી, વલ્લભ જેન્તી સાંગાણી, ભાવેશ જીવા સાંગાણી અને એક અજાણ્યો શખ્સ સહિતનાઓ ગેરકાયદેસર મંડળી રચીને ત્યાં ધસી આવ્યા હતા અને મુસાભાઈ ઈબ્રાહીમભાઈ સાંધને ત્યાથી ઘસડી જઈ અને મગન હરજી સાંગાણીની વાડીમાં લઈ જઈ તેના ઉપર કુહાડી, ધારિયા, લોખંડના પાઈપ વડે ખૂની હુમલો કરીને તેઓને ઢાળી દીધા હતા અને હુમલાખોરો નાસી ગયા હતા. દરમ્યાન ઈજાગ્રસ્ત બનેલા મુસાભાઈ ઈબ્રાહીમભાઈ સાંધને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમ્યાન જ તેમને સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપરના ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાઘેલા ભૂપેન્દ્રસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે આઈપીસી ૩૦ર મુજબ ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.