(એજન્સી) તા.૨૯
ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાં જય શ્રી રામ ન બોલવા બદલ ચાર શખ્સોએ એક ૧પ વર્ષીય મુસ્લિમ કિશોરને સળગાવી દીધો હતો. આ ઘટના રવિવાર સવારની છે. પીડિત કિશોરને વારાણસીના કબીર ચૌરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે કિશોર ૬૦ ટકા જેટલો દાઝી ગયો છે અને તેની હાલત ગંભીર છે. હાલમાં બીએચયુ ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં આ કિશોરે નિવેદન આપ્યું હતું કે, તેણે જય શ્રી રામ બોલવાનો ઈનકાર કરતા હુમલાખોરોએ આગ ચાંપી હતી. એક સમાચારપત્રના અહેવાલ મુજબ પીડિતેે કહ્યું હતું કે, “હું દુધારી પૂલ પરથી જઈ રહ્યો હતો, ત્યારે ચાર શખ્સોએ મારૂં અપહરણ કર્યું, તેમાંથી બે શખ્સોએ મારા હાથ બાંધી દીધા અને ત્રીજા શખ્સે મારા પર કેરોસિન છાંટ્યું અને આગ ચાંપીને ભાગી ગયા હતા, તેમાંથી એકે કહ્યું હતું કે, તેના પર કેરોસિન છાટી સળગાવી દો. તે આપમેળે જ મરી જશે. તે ચારેય કહી રહ્યા હતા કે, જય શ્રી રામ બોલ, હું ન બોલ્યો તો તે લોકો મને મારવા લાગ્યા હતા. જો કે, પોલીસે કિશોરના દાવાને ખોટો ગણાવતા કહ્યું હતું કે, પીડિત વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યો છે. ચંદૌલીના એસ.પી. સંતોષકુમારે કહ્યું હતું કે, પીડિતનો દાવો ખોટો છે.