(એજન્સી) હાપુડ, તા. ૨૦
નફરતની રાજનીતિએ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વધુ એક દાદરી જેવી ઘટનાને અંજામ આપ્યો છે જ્યારે ૧૮મી જૂને ઇદ-ઉલ- ફિત્રના બીજા દિવસે જ એક ૫૦ વર્ષના બીમાર વ્યક્તિને ત્રાસદાયક માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાઇ છે. હાપુડ જિલ્લામાં દિલ્હી-લખનઉ હાઇવે નજીક દિલ્હીથી ફક્ત ૫૦ કિલોમીટર દૂર આવેલા પિલખુવાના બઝેરા ગામમાં ગાયની હત્યા કરી હોવાની અફવા ફેલાવાઇ હતી. કાસિમને ટોળાના મારથી બચાવવા માટે વચ્ચે પડેલા ૬૨ વર્ષના ખેડૂત પણ ઇજાગ્રસ્ત થયા હતા જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલો અનુસાર પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર કોમવાદી વાતાવરણ સર્જવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સ્થાનિકો અનુસાર દાદરીના ચાર વર્ષ બાદ આ વિસ્તાર ફરીવાર ખાલી ઇદનો સાક્ષી બન્યો છે.
૬૫ વર્ષના કાસિમના કાકા મેહરઅલીએ કહ્યું કે, છ બાળકોના પિતા કાસિમની ઉંમર ૫૦ વર્ષથી વધુ હતી અને તેઓ પોતાની યુવાન દીકરીના લગ્ન બાદ તણાવમાં હતા તથા થેલેસેમિયા ઉપરાંત બ્લડ પ્રેશરના દર્દી હતા. આના કારણે તેઓ ટોળાના મારથી બચીને ભાગી શક્યા નહીં. ટોળાએ તેમને ઘેરીને મોતને ઘાટ ઉતાર્યા જ્યારે તેઓ પાણી માગતા માગતા મોતને ભેટ્યા હતા.પોલીસે તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત મુસ્લિમ હોવાને કારણે જ તેમની હત્યા કરી દેવાઇ છે. ગાય ક્યાં હતી ?, તેને કાપવા માટેના હથિયાર ક્યાં હતા ? કોઇ પુરાવો નથી ફક્ત અફવાના પગલે છ બાળકો નિરાધાર બની ગયા. અહીં હાજર એકપણ વ્યક્તિ સમજી શકતી નથી કે શું બન્યું હતું.
દિલ્હી-લખનઉ હાઇવે પર આવેલા પિલખુવાના બઝેરા ગામમાં ૧૮મી જૂને કાસિમ ભેંસો ખરીદવા ગયા હતા. તેમના ભાઇ મોહમ્મદ સલીમે કહ્યું કે કાસિમની હત્યા અમારા ગામમાં જ કરી દેવાઇ છે. મારા ભાઇ આ ગામમાંથી બકરીઓ ખરીદી શહેરમાં વેચતા હતા. તેમના પરિવારની આ જ આજીવિકા હતી. તેઓ ૨૩ વર્ષ પહેલા પિલખુવાથી અહીં આવ્યા હતા. કેટલાક દિવસ પહેલા બઝેરામાંથી એક વ્યક્તિ તેમની પાસે આવી હતી અને તેની ભેંસ ખરીદવા કહ્યું હતું. ઇદને લીધે કાસિમ તરત ગયા નહોતા પરંતુ બીજા દિવસે પહોંચ્યા હતા. બાદમાં પોલીસ તેમના મૃતદેહને પરત લાવી હતી. પોતાના બાળકો માટે કામની શોધમાં નીકળેલા નિઃશસ્ત્ર વ્યક્તિને બહાદૂર હોવાનો દાવો કરતા સમાજના ટોળાએ રહેંસી નાખી. સોમવારે બપોરે પોલીસનો ફોન આવ્યો કે, કાસિમ એક ઝઘડામાં ફસાયા અને તેમને રામ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે જ્યાં તેઓ મોતને ભેટ્યા હતા. કાસિમના ચારમાંથી અન્ય એક ભાઇ મોહમ્મદ સાદિકે કહ્યું કે, આ વીડિયો જુઓ જેમાં જોઇ શકાય છે કે, તેઓ પાણીની બહાર રહેલી માછલીની જેમ પાણી માટે તરસી રહ્યા છે. શું આ માનવા જેવી વાત છે કે, ૫૦ વર્ષની વ્યક્તિ ગાય કાપી શકે ? અને આ ગાય ક્યાં છે ? આ અફવા ફેલાવીને તોફાનો કરવાનું ષડયંત્ર છે અને ઘડી કાઢેલી હત્યા છે.
ભાજપના નેતા તરફ આંગળી ચિંધાઇ
છેલ્લા કેટલાક વર્ષથી પિલખુવામાં બે સમુદાયો વચ્ચે કોમી તંગદિલીનું વાતાવરણ છે. એક સ્થાનિક મોહમ્મદ શાહીને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના રમેશચંદ્ર તોમરે બીએસપીના અસલમ ચૌધરીને ધૌલાના બેઠક પરથી હરાવ્યા છે ત્યારથી અહીં કોમી તંગદિલી ખૂબ વધી છે. વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન યોગી આદિત્યનાથ અને અમિત શાહ બંનેએ મૌલાના વિરૂદ્ધ ધૌલાનાનો જ પ્રચાર કર્યો હતો અને ચૂંટણીને કોમી રંગ આપ્યો હતો. ત્યારબાદથી સ્થિતિ વણસી છે પરંતુ અમે શાંતિથી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો કે, રાજકીય પક્ષો અને કાર્યકરો લોકોને લડાવી રહ્યા છે. કાસિમના ૨૪ વર્ષના પુત્ર માહતાબે કહ્યું હતું કે, બઝેરાના સ્થાનિક ભાજપના નેતા કિરનપાલ વિરૂદ્ધ પગલાં લેવા જોઇએ. તેણે દાવો કર્યો હતો કે, વીડિયોમાં કિરનપાલ કાસિમના મોત પહેલા તેમની સાથે વાત કરતો દેખાય છે અને બાદમાં વીડિયો ઉતારનારા યુવાન પર પણ હુમલો કરાયો હતો. કિરનપાલ બઝેરા ગામનો શક્તિશાળી નેતા છે અને ભાજપના ટોચના નેતાઓ સાથે સંબંધ ધરાવે છે તથા પિલખુવા પોલીસ સ્ટેશનમાં પણ વગ ધરાવે છે. પોલીસે કહ્યું છે કે, ફરિયાદમાં પાંચ અજાણ્યા લોકોના નામ છે પરંતુ કિરનપાલના નામનો ઉલ્લેખ નથી.
Recent Comments