(એજન્સી) જયપુર, તા. ૧૨
ભારતીય જનતા પાર્ટીએ રવિવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આમાં પાર્ટીએ ૧૩૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ નામો પર નજર નાખવામાં આવે તો આ વખતે ભાજપે રાજસ્થાન ચૂંંટણીઓ માટે હિંદુત્વ કાર્ડ રમ્યું છે કેમ કે, ૧૩૧ ઉમેદવારોની યાદીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ નથી. એટલે સુધી કે ભાજપે રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજેના સૌથી નજીકના મનાતા યુનુસખાનને ટિકિટ ન આપતા રાજસ્થાનમાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી પોતે યુનુસખાનને ટિકિટ અપાવવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેમની ટિકિટ અંગે સસ્પેન્સ જળવાઇ રહ્યો છે. બીજી તરફ ભાજપે નાગોરથી સતત બે વખતના ધારાસભ્ય રહેલા હબીબુર રહેમાનને પણ ટિકિટ આપી નથી. તેમના સ્થાને મોહનરામ ચૌધરીને ટિકિટ અપાઇ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે ચાર બેઠકો પર મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા.