(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૪
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઈસ્લામ ધર્મ અને ધર્મગુરૂઓ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરી મેસેજ સોશિયલ મીડિયામાં ફરતું કરવાના મુદ્દે મામલો બિચકયો હતો. રાધનપુર નગરપાલિકા ભાજપના કોર્પોરેટર અને ગૌરક્ષક સહિત બે જણા પર હુમલા બાદ આજે દિવસ દરમ્યાન રાધનપુરમાં બજારો બંધ રહ્યા હતા અને તનાવપૂર્ણ વાતાવરણ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેટલાક ઉશ્કેરાયેલા કટ્ટરવાદી તત્વોના ટોળાએ હાઈવે પર પાર્લર પર તોડફોડ કરી આગ લગાડતા તેની ફરિયાદ કરવા ગયેલ દુકાનદારના સંબંધીઓ વિરૂધ્ધ પોલીસે આરોપી જેવું વર્તન કરી મોડી સાંજ સુધી ફરિયાદ નહી નોંધતા મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો સાથે રોષની લાગણી ફેલાઈ છે.
રાધનપુરમાં રહેતા ઠાકોર મહેશભાઈ ઉર્ફે બલોએ પોતાની ફેસબુક ઉપર ઈસ્લામ ધર્મ અને ધર્મગુરૂઓ વિશે અભદ્ર ભાષામાં પોસ્ટ કરેલ જે સોશિયલ મીડિયામાં ફરતું થતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. દરમ્યાન ગઈકાલે સાંજે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં.૪ ભાજપના કોર્પોરેટર અને ગૌરક્ષક કુલદિપસિંહ અમરસિંહ રાઠોડ તેમજ મહિપાલસિંહ દિલીપસિંહ ઝાલા બાઈક લઈ ઠાકોર મહેશના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ફરિયાદમાં જણાવ્યા મુજબ ઈદ્રીશ ઘાંચી, ઘાંચી આદિલ ગુલામ રસુલભાઈ, અનિશ, બારીક ઘાંચી, મોહસીન ઉર્ફે ચાઈના, સલીમભાઈ ઉર્ફે સલીયો ઘાંચી અને મયોદીન દાઉદભાઈ ઘાંચીએ ભાજપના કોર્પોરેટર કુલદીપસિંહ રાઠોડ અને મહિપાલસિંહ ઝાલા ઉપર છરી અને હથિયારો વડે હુમલો કરતા બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાના આ બનાવ બાદ રાધનપુરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ મયોદીન દાઉદભાઈ ઘાંચીની રાધનપુર હાઈવે પર આવેલ કેબીનમાં તોડફોડ કરી આગ ચાંપી હતી, ગઈકાલે સાંજના સુમારે બનેલ હુમલાના આ બનાવ બાદ આજે સવારે ખુલેલી દુકાનો કેટલાક કટ્ટરવાદી તત્વોએ બંધ કરાવતા તંગદિલી ફેલાઈ અને બંને જુથોના ટોળા એકઠા થવા લાગતા જિલ્લાભરની પોલીસ રાધનપુરમાં ખડકી દઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. ગત રાત્રીના સમયે ઉશ્કેરાયેલા ટોળાએ મયોદીન દાઉદભાઈ ઘાંચીની કેબીનમાં તોડફોડ કરી આગ ચાંપતા આ બનાવ અંગે દુકાનદારના સંબંધીઓ પોલીસ મથકે ફરિયાદ કરવા જતા પોલીસે તેમની સાથે પણ આરોપી જેવું વર્તન કરી મોડી સાંજ સુધી ફરિયાદ નહી નોંધતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.