(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
સુપ્રીમકોર્ટમાં આજે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી થઈ હતી. આજે ૩૦મા દિવસે મુસ્લિમ પક્ષકારની તરફે રાજીવ ધવને કોર્ટમાં દલીલો રજૂ કરી. રાજીવ ધવનની દલીલો પૂરી થયા પછી આજે જફરયાબ જીલાનીએ પોતાની રજૂઆતો કરી હતી. એમણે કહ્યું કે, હિન્દુ ૧૮૮૬માં પૂજાનો અધિકાર મળ્યા પછી જ મંદિર બનાવવા ઈચ્છતા હતા પણ કોર્ટે પરવાનગી આપી ન હતી. એમણે કહ્યું કે, એક સાક્ષીએ દશરથ મહલમાં રામજન્મ હોવાનો ઉલ્લેખ કર્યો છે પણ મહલની સ્થિતિની ખબર નથી. આની સામે જજ ચંદ્રચૂડે કહ્યું કે, સાક્ષીઓએ શાસ્ત્રોનો હવાલો આપી સીતાકૂપના અગ્નિકોણમાં ર૦૦ પગલાંના અંતરે રામનું જન્મસ્થળ બતાવવામાં આવી રહ્યું છે. જફરયાબ જીલાનીએ નકશો બતાવતા કહ્યું કે જન્મસ્થળ અને સીતાકૂપના ઉત્તર-દક્ષિણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ આમાં જન્મસ્થળ મંદિરને માનવામાં આવી રહ્યું છે. પછી હિન્દુઓએ પોતાનો વિશ્વાસ બદલ્યો અને બન્ને સ્થળોએ પોતાનો દાવો કરવા લાગ્યા. જીલાનીએ સાક્ષીનો હવાલો આપી જણાવ્યું કે, સુમિત્રા ભવન, કૌશલ્યા ભવન અને કૈકેયી ભવનનો ઉલ્લેખ રામચરિત્રમાનસમાં નથી. રાજા ટોડરમલ તુલસીદાસના મિત્ર હતા પણ તુલસીદાસે રામચરિત્રમાનસમાં એમનો ઉલ્લેખ કર્યો નથી. જીલાનીએ આગળ કહ્યું કે, ૧૮૮૬ના ચુકાદામાં પણ એ જ કહેવાયું છે કે ચબૂતરો જ જન્મસ્થળ છે પણ પછીથી હિન્દુ પક્ષની તરફે આંતરિક સ્થળ અને ગૂંબજ ઉપર પણ દાવો કર્યો. આની સામે જજ બોબડેએ પૂછયુું કે, શું તમે માનો છો કે આ ચુકાદાને પડકારવામાં નથી આવ્યું ? જીલાનીને કહ્યું અમોએ આને પડકાર્યો નહીં. પછીથી કેટલીક અરજીઓ દાખલ થઈ હતી. જીલાનીએ રામાનંદચાર્ય, રામભદ્રાચાર્યનો દાખલો આપી કહ્યું કે માનસ ટીકામાં અવધપુરીનો પણ ઉલ્લેખ છે. કોઈ સ્થળનો નથી. સ્કન્દપુરાણના અયોધ્યા ખંડમાં રામજન્મસ્થળને લઈ ચૌદહી અને અંતરનો ઉલ્લેખ છે પણ એ સ્થળ હવે મળતો નથી જેનો ઉલ્લેખ પુરાણમાં છે. જજ બોબડેએ કહ્યું કે, અયોધ્યામાં રામજન્મને લઈ તમારો વિવાદ નથી ફકત જન્મસ્થળને લઈને છે. જીલાનીએ હકારમાં જવાબ આપ્યો. જજ બોબડેએ પૂછયું તમે રામ ચબૂતરાને જન્મસ્થળ માનો છો, જીલાનીએ આનો જવાબ પણ હકારમાં આપ્યો. જીલાનીએ કહ્યું કે, જન્મસ્થળને લઈ વિશ્વાસ તો છે પણ પુરાવાઓ કોઈ નથી. એમણે કહ્યું કે, દલીલો બાબત ત્રણ આધારો આપવામાં આવ્યા છે. રામચરિત્રમાનસ, વાલ્મિકી રામાયણ આમાં સામેલ છે.