(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૩
આણંદ તાલુકાનાં ખેરડા ગામે ગત તા.૨૪મી સપ્ટેમ્બરની રાત્રે વિવાદાસ્પદ ગીત વગાડવા બાબતે થયેલી કોમી અથડામણમાં તોફાની તત્વોએ મચાવેલા આંતકનાં કારણે ૪૦ જેટલા મુસ્લિમ પરિવારો પોતાનો જીવ બચાવવા હિજરત કરીને નજીકનાં વ્હેરાખાડી ગામે રાહત કેમ્પમાં આશ્રય લઈ રહ્યા હતા, મુસ્લિમ સમાજનાં આગેવાનોનાં પ્રયાસોથી આજે અસરગ્રસ્ત પરિવારોનું પોલીસ બંદોબસ્ત હેઠળ પુનવર્સન કરવામાં આવતા ૪૦ મુસ્લિમ પરિવારો આજે ૨૭ દિવસ બાદ પોતાનાં ઘરે પરત ફર્યા હતા.
મળતી વિગતો અનુસાર ખેરડા ગામે કોમી અથડામણ બાદ કટ્ટરવાદી તત્વોએ મુસ્લિમોનાં મકાનો, કેબીનો અને વાહનો સળગાવી મુકી તેમજ ધરવખરી અને સોનાં ચાંદીનાં દાગીનાની લુંટફાટ ચલાવી હતી, જેને લઈને ગામમાં રહેતા ૪૦ થી વધુ મુસ્લિમ પરિવારો પોતાનું સર્વસ્વ ગુમાવીને પોતાનો જીવ બચાવવા માટે હીજરત કરીને વ્હેરાખાડી ગામે જઈ ગ્રામજનોનાં સહયોગથી ઈદગાહ ખાતે શરૂ કરાયેલા રાહત કેમ્પમાં આશ્રય લીધો હતો. ત્યારબાદ વડોદરાનાં ગુજરાત પ્રદેસ કોગ્રેસ સમિતી માઈનોરીટી ડીપાર્ટમેન્ટનાં વાઈસ ચેરમેન ચીરાગ શેખ તેમજ બુનીયાદ સંસ્થાનાં ખૈરુન્નીશા સૈયદ સહિતનાં અગ્રણીઓ દ્વારા કલેકટર સહીત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અસરગ્રસ્તોનાં પુનઃવર્સન માટે રજૂઆતો કરી હતી. મુસ્લિમ અગ્રણીઓ ચિરાગ શેખ અને ખૈરુન્નીશા સૈયદનાં અથાગ પ્રયાસોથી આણંદ ડીવીઝનનાં પોલીસ અધિક્ષક બી ડી જાડેજાએ ખેરડા ગામનાં બન્ને કોમનાં અગ્રણીઓની બેઠક બોલાવી તેમાં સૌને ગામમાં એકતા અને સૌહાર્દનાં વાતાવરણ માટે અપીલ કરી હતી અને જેમાં ગામમાં અસરગ્રસ્ત પરિવારોનું પુનઃવસન માટે સાનુકુળ વાતાવરણ સર્જાયા બાદ આજે વ્હેરાખાડી ગામેથી બે જેટલા વાહનોમાં અસરગ્રસ્ત પરિવારો સાથે ચિરાગ શેખ, ખૈરૂન્નીશા સૈયદ, જરીફખાન પઠાણ, મહેબુબ દિવાન, ગેમલસંગ માતરીયા, ઐયુબ સૈયદ (દાઢી), ફારૂક મલેક, વ્હેરાખાડી ગામનાં મુસ્લિમ અગ્રણી મહેબુબઅલી સૈયદ, સાબીરમીંયા સૈયદ સહિત અગ્રણીઓ વ્હેરાખાડી ગામે પહોંચ્યા હતા. અને પોલીસ બંદોબસ્ત હેઠળ અસરગ્રસ્તોનું ગામમાં પુનઃવસન થયું હતું.
૨૭ દિવસ બાદ ગામમાં પહોંચેલા અસરગ્રસ્ત પરિવારોનાં ચહેરા પર ગામમાં પરત ફરવાનો આનંદ ઝળકતો હતો. આ અંગે ચિરાગ શેખએ જણાવ્યું હતું કે એક દુઃખદ ઘટના બાદ આજે લઘુમતી પરિવારોનું ગામમાં પુનઃવસન થયું છે,ત્યારે ગામમાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ પુનઃસ્થપાય તે માટે બન્ને કોમનાં લોકોને તેઓએ અનુરોધ કર્યો હતો.
આ અંગે બુનિયાદ સંસ્થાનાં કાર્યકર ખૈરૂન્નીશા સૈયદએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોનું આજે પુનઃસ્થાપન થયું છે, પરંતુ તેઓનું તોફાનોમાં સર્વસ્વ નાશ પામ્યું છે, તેઓ પાયમાલ થઈ ગયા છે, ત્યારે સરકાર દ્વારા તેઓને સહાય ચુકવવા માંગ કરી હતી અને તેઓએ આજે પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણને રૂબરૂ મળીને અસરગ્રસ્ત પરિવારોમાં સુરક્ષાનો અહેસાસ થાય તે માટે એસઆરપી પોલીસ ચોકી તૈનાત કરવા માંગ કરી હતી. જેથી પોલીસ દ્વારા પોલીસ ચોકી બનાવી એસઆરપી તૈનાત કરવામાં આવનાર છે.
ખૈરૂન્નીશાબેન સૈયદએ ગામની પ્રાથમિક શાળામાં આચાર્યને મળીને અસરગ્રસ્ત પરિવારનાં બાળકો સાથે ભેદભાવ ભર્યુ વર્તન ના થાય તેમજ આવતીકાલથી જે આંતરીક પરિક્ષાઓ શરૂ થઈ રહી છે,ત્યારે બાળકોમાં સુરક્ષા સાથે હુંફનાં માહોલનું સર્જન કરવા જણાવ્યું હતું.
ગામનાં અસરગ્રસ્ત પરિવારનાં તેમજ તોફાનોમાં સર્વસ્વ ગુમાવનાર નસીમબાનુંએ જણાવ્યું હતું કે તેઓનાં મકાનોમાં તોડફોડ કરી લુંટફાટ કરી સળગાવી મુકતા તેઓને લાખોનું નુકશાન થયું છે અને તેઓનો પરિવાર પાયમાલ થઈ ગયો છે, ત્યારે પોલીસ દ્વારા તેઓની આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવાનાં બદલે તેઓનાં પતિને ખંભોળજ પોલીસ મથકે બોલાવીને કાગળ પર સહી કરાવી લઈને અજાણ્યા આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે,જે તેઓએ લખાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદ નોંધવામાં આવી નથી અને આરોપીઓને છાવરવામાં આવ્યા હોઈ તેઓએ પોલીસ તંત્ર વિરૂદ્ધમાં પણ ઉગ્ર રોષ પ્રકટ કર્યો હતો.
અસરગ્રસ્ત પરિવારો દ્વારા આજે ગામમાં પરત ફર્યા બાદ તેઓનાં તોડ ફોડ કરાયેલા મકાનોને સાફ કરીને રહેવા યોગ્ય બનાવવાની કવાયત હાથ ધરી હતી તેમજ મસ્જિદની પણ સફાઈ કર્યા બાદ મસ્જિદમાં આજે ઝોહર અને અસરની નમાઝ અદા કરવામાં આવી હતી, જયારે અસરગ્રસ્ત પરિવારોનાં પુનઃવસનને લઈને પોલીસ દ્વારા સમગ્ર ગામમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
આણંદના ખેરડા ગામે કોમી તોફાન બાદ હિજરત કરનાર ૪૦ જેટલા મુસ્લિમ પરિવારોે ગામમાં પરત ફર્યા

Recent Comments