ભૂજ, તા.૭
મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રાષ્ટ્રીય કાર્યકારીણીના ઉપક્રમે ઈન્દ્રેશકુમારના પ્રમુખ સ્થાને હરિયાણા હાઉસ, નવી દિલ્હી મુકામે મુસ્લિમ બુદિ્‌જીવીઓની એક મીટિંંગ મળી હતી. જેમાં ચર્ચા-વિચારણા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ મીટિંગમાં ગુજરાતના લઘુમતી અગ્રણી મીરખાન મુતવા-નદવીને મંચના રાષ્ટ્રીય શિક્ષા પ્રતિષ્ઠાનમાં સહ સંયોજક પદે નિમવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ મીટિંગમાં મુસ્લિમોમાં ચાલતી ત્રણ તલાક પ્રથા વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં બધી જગ્યાએ કોઈપણ બાબતે વિવાદ ઊભો થાય તો તે બાબત રૂબરૂ બેસી ચર્ચા કરી સમજૂતી કરવામાં આવે છે. પરંતુ આવી પ્રક્રિયા મુસ્લિમો સાથે તેમના પ્રશ્નો અંગે કરવામાં આવતી નથી. જે યોગ્ય નથી. વિશ્વમાં મુસ્લિમો પર બોમ્બ વરસાવવામાં આવે છે, તેમને આતંકવાદી કહેવામાં આવે છે પરંતુ તેમની સાથે બેસી વાત કરવામાં આવતી નથી.
મુસ્લિમો જેને પવિત્ર માને છે તે વનસ્પતિ મરૂવા વિશે જણાવવામાં આવ્યું કે તે સ્વર્ગનું ઝાડ છે. પવિત્ર ગ્રંથ કુર્આનશરીફમાં તેનો ઉલ્લેખ છે. જેનો દુબઈમાં બગીચો બનાવ્યો છે તેમાં જેટલા છોડોના કુર્આનશરીફમાં નામો છે તે તમામને ત્યાં ઉછેરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીઓને મરૂવાના છોડોના રોપો ઉછેરવા માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને તેમના કાર્યાલયમાં જઈ રોપો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ મીટિંગમાં સમગ્ર દેશમાંથી ડૉક્ટરો, વકીલો સહિતના મુસ્લિમો બુદ્ધિજીવો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.