ઉના, તા.૭
સૌરાષ્ટ્રભરમાં વસતા મુસ્લિમ ભાડેલા માછીમારી સમાજના લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરેલ હોય અને તેમાં વખતોવખતના રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની યાદીના નિકળતા પત્રમાં ભાડેલા માછીમાર સમાજને આર્થિક સામાજિક રીતે પછાત તરીકે સામેલ કરેલ હોય અને આ યાદી મુજબ રાજ્ય સરકારે કરેલી જનસેવા ઓનલાઈનની કોમ્પ્યુટરાઈઝ સેવામાં ભાડેલા મુસ્લિમ સમાજનો સમાવેશ ન કરાતા આ સમાજના લોકોને આર્થિક પછાતનો દાખલો મળતો ન હોય તેના કારણે સમાજના નબળા અને જનમ જાતથી વસવાટ કરી માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા દરિયાના આ સાગર શ્રમિક વર્ગના માછીમારને સરકારની યોજનાના લાભથી વંચિત રહેવુ પડતુ હોય આ બાબતે ઉના તાલુકાના નવાબંદર ગામમાં વસતા ભાડેલા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં સમાજના લોકોએ ઉના નાયબ કલેકટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપી ઓનલાઈન યાદીમાં સમાવિષ્ટ કરવા માગણી કરેલ છે. આ આવેદનપત્ર સાથે વિવિધ સરકારના પરીપત્ર જોડી તેમજ ભાડેલા મુસ્લિમ જ્ઞાતિ ૧૯૭૬ની સાલની સામાજિક અને પછાત વર્ગની યાદીમાં આવેલા હોય તે પંચના અહેવાલ પણ સામેલ કરી ન્યાય અધિકાર વિભાગને હાલની ઓનલાઈન યાદીમાં માત્ર ભાડેલા માછીમાર લખેલુ હોય તેમાં ભાડેલા મુસ્લિમ તરીકે સુધારો કરવા માગણી કરાયેલ હતી આ આવેદન પત્રમાં ભાડેલા મુસ્લિમ સમાજના આગેવાન સલીમભાઈ બબન તેમજ સિદ્દીકભાઈ ચૌહાણ, યુનુસભાઈ બેલડીયા, તેમજ ભાડેલા સમાજના પટેલ ઈબ્રાહીમભાઈ ચૌહાણ પંચાયતના સભ્ય અને આગેવાનો જોડાયેલા હતા.