ભૂજ, તા.૮
કચ્છના અબડાવાલી ખાતે કાર્યરત મદ્રેસા બરકાતે મુસ્તુફા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટમાં ચાલતી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાએ ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ દીની તાલીમ માટે મદ્રેસા બરકાતે મુસ્તફા તેમજ તે સંકુલમાં ચાલતા મદ્રેસાએ ફાતમાતુઝઝોહરા લીલબનાત (છોકરીઓના મદ્રસા)ની અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ જે હોલેપોત્રાએ મુલાકાત લીધી હતી. જેમાં દીકરીઓના દીની-દુન્યવી તાલીમ માટે હાલ પ૦ દીકરીઓની વ્યવસ્થા છે અને બીજી ૬૦ દીકરીઓ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે બાંધકામની શરૂઆત કરેલ છે જેનું હાલેપોત્રાએ નિરીક્ષણ કર્યું હતું અને સંકુલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની સઘન માહિતી મેળવી હતી. દીકરીઓને શિક્ષણ તરફ વાળવા માટે પછાત એવા કચ્છ અને તેમાં પણ ગરડા વિસ્તારમાંથી દીકરીઓ વધારે કેવી રીતે શિક્ષણ લે ? તે માટેની જરૂરિયાત ઊભી કરવા માટે ટ્રસ્ટીઓ જોડે ચર્ચા- વિચારણા કરી હતી. તે માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનાં પ્રમુખ ઈબ્રાહીમ જે. હોલેપોત્રાએ સંસ્થાએ એક રૂમ માટે રૂા.૧,પ૧,૦૦૦/-ની મદદની જાહેરાત પણ કરી હતી. જો મુસ્લિમ સમાજને આગળ લાવવો હશે તો દીકરીઓના દીની, દુન્યવી તાલીમ ઉપર ભાર મૂકવો પડશે. આવી સંસ્થાઓ દીકરીઓ માટે મહેનત કરી રહી છે. તે પ્રસંગે પ્રમુખ ઈબ્રાહીમ હોલેપોત્રાનું ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાજી હસન સિદ્દીક કુંભારએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સ્ટાફગણ તેમજ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.