ભૂજ, તા.૩૦
અબડાસાના સુથરી ગામે આવેલ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં કબરોની તોડ-ફોડ કરી કોમી શાંતિ ડહોળવાના કેટલાક વિધ્નસંતોષી તત્ત્વાના પ્રયાસ સામે મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તથા અબડાસા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કોઠારા પોલીસ સ્ટેશનમાં આવેદન પાઠવી મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરવામાં આવી છે.
બનાવની વિગત અનુસાર સુથરી ગામે આવેલ પીર મિંયા અબ્દુલ્લા (ર.અ.) મજાર તથા અન્ય મજારોને કેટલાક કટ્ટરવાદી તત્ત્વોએ શાંતિ ડહોળવાના પ્રયાસ રૂપે તોડી નાંખી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા જેની જાણ મુસ્લિમ સમાજના લોકોને થતા પ્રચંડ રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ જાફર હાલેપોત્રા, અબડાસા તાલુકાના સાલે મામદ પઢીયાર તથા સમિતિના જિલ્લા પ્રમુખ સૈયદ તકીશા બાવા, અલાનાભાઈ ભુંગાર, ઈકબાલભાઈ મંધરા, હાજી જાકબ બાવા, સૈયદ સુલતાનશા હાજીમિયા સાહેબ, હાજી ઈબ્રાહીમશા કોઠારાવાળા, સૈયદ મામદશા, વિરોધપક્ષ નેતા અબ્દુલભાઈ ગજણ, અબ્દ્રેમાનભાઈ નોડે, રફીકભાઈ હાલેપોત્રા તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. જેમાં કબરોને મોટા પાયે નુકસાન કરાયાનું નજરે પડ્યું હતું. આવા બનાવો ન બને તે માટે સમિતિના તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ ભેગા થઈ કોઠારા પોલીસ સ્ટેશને જઈ આવેદનપત્ર પાઠવી કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણને ડહોળવાનો હિચકારો પ્રયાસ કરતા ભાગલાવાદી તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.