(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
દેશના અગ્રણી મુસ્લિમ સંગઠનોએ બકરી ઇદના પ્રસંગે ગાય કે બળદની કુર્બાની બિલકુલ નહીં કરવાની દેશના મુસ્લિમોને અપીલ કરતા જણાવ્યું કે ધાર્મિક કામની આડમાં કોઇની લાગણી દુભાવવાનું ઇસ્લામની વિરૂદ્ધમાં છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)ના અધ્યક્ષ મૌલાના રાબે હસન નદવી, જમાતે ઇસ્લામીના અધ્યક્ષ મૌલાના જલાલુદ્દી ઉમરી અને ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મૌૈલાના ખાલિદ રશીદે મુસ્લિમોને અપીલ કરી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બકરી ઇદના પ્રસંગે ગાયની કુરબાનીથી દૂર રહે.
મૌલાના રશીદે જણાવ્યું કે અપીલમાં મુસ્લિમોને ખાસ રીતે તાકીદ કરવામાં આવી છે કે સામાન્ય લોકોને તકલીફ ન થાય તેના માટે મુસ્લિમો શેરીઓ અને રોડ પર અથવા જાહેર સ્થળોએ કુરબાની બિલકુલ ન કરે. કતલખાનાઓ કે મોટા મદરસાઓમાં જ કુરબાની કરવામાં આવે. કુરબાની કરતી વખતે ફોટો પાડવામાં ન આવે અને ના તો વાયરલ કરવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની મુસ્લિમ શાખા કહેવાતા રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંયોજક મોહમ્મદ અફઝલે પણ મુસ્લિમોને અપીલ કરતા જણાવ્યું કે આપણે હિન્દુસ્તાની મુસ્લિમ છીએ. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ કહ્યું છે કે પોતાના પાડોશીઓનું ધ્યાન રાખો. આપણા પાડોશીઓ હિન્દુઓ છે અને તેઓ ગાયની પૂજા કરે છે, તેથી આપણે તેમની લાગણી દુભાવવી જોઇએ નહીં. આ વખતે પણ બકરી ઇદ પર ગાયની કુરબાની ન કરો.
દેેશમાં માંસના વેપારીઓનું સૌથી મોટું સંગઠન ઓલ ઇન્ડિયા જમીયત-ઉલ-કુરૈશે પણ મુસ્લિમોને બકરી ઇદના પ્રસંગે ગાય અને બળદની કુરબાની નહીં કરવાની અપીલ કરી છે. સંગઠનના અધ્યક્ષ સિરાજુદ્દીન કુરૈશીએ જણાવ્યું કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ. અહીં ઘણી વસ્તુઓ સાથે બહુમતી લોકોની ભાવનાઓ જોડાયેલી છે. આપણને ગેર-મુસ્લિમો માન આપે છે તો આપણે પણ તેમની લાગણીઓનો આદર કરવો જોઇએ. તેમણે કહ્યું કે બકરી ઇદના પ્રસંગે ગાયની કુરબાની કરવાનું કોઇ જરૂરી નથી. અલ્લાહ તઆલા કુરબાની વખતે જાનવરને નહીં પરંતુ કુરબાની આપનાર શખ્સની માત્ર નિય્યત જુએ છે.
ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના યાસૂબ અબ્બાસે કહ્યું કે શિયા સમાજ તો હંમેશ બકરી ઇદના પ્રસંગે ગાયની કુરબાનીથી પરેજ કરે છે. અન્ય મુસ્લિમોને પણ ગાય અને બળદની કુરબાની નહીં કરવાની અપીલ કરીએ છીએ.