(એજન્સી) લંડન, તા. ૨૫
બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે નવા મંત્રીમંડળની રચનાનો ઔપચારિક આદેશ મહારાણી એલિઝાબેથ પાસેથી મેળવી લીધો હતો. નવા વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું છે કે, તેઓ યૂરોપિયન સંઘ સાથેની સમજૂતી વિના આ સંઘમાંથી બહાર આવી જશે. અહેવાલો અનુસાર જોનસને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે તેના સમાપ્ત થતા જ બ્રિટન નિશ્ચિત રીતે જ યૂરોપિયન સંઘમાંથી બહાર નીકળી જશે. બીજી તરફ જોનસનના વડાપ્રધાન બનવાની સાથે જ ઘણા મંત્રીઓએ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે અને કહ્યંું છે કે, તેઓ બોરિસ જોનસન સાથે કામ નહીં કરે.
જોનસને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, અમે ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ યૂરોપિયન સંઘમાંથી બહાર આવી જઇશું અને કોઇપણ પ્રકારનો વિલંબ કરીશું નહીં તથા તેને ટાળવાના પ્રયાસ કરીશું નહીં. આજ રીતે બ્રિટનના વડાપ્રધાને વાયદો કર્યો છે કે, અસુરક્ષામાં ખાસ કરીને લંડનના માર્ગો પર વધતી અસુરક્ષાનો મુકાબલો કરીશું. દરમિયાન કંઝર્વેટિવ પાર્ટીના મોહમ્મદ આમિને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે પાર્ટી પ્રમુખને પોતાનું રાજીનામું મોકલ્યું હતું અને તેને જાહેર પણ કર્યું હતું. મોહમ્મદ આમિન કંઝર્વેટિવ પાર્ટીના મુસ્લિમ વિંગના પ્રમુખ રહી ચૂક્યા ચે અને પાછલા ૩૬ વર્ષથી પાર્ટી સાથે છે. તેમણે કહ્યું કે, હવે જે નવા વડાપ્રધાન બન્યા છે તેઓ નૈતિક રીતે યોગ્ય નથી. આના કારણે જ તેઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, મને નાથી લાગતું કે, બોરિસ જોનસન લાંબા સમય સુધી દેશના વડાપ્રધાન રહી શકશે અને જો તેઓ હટી જશે ત્યારે તેઓ ફરી પાર્ટીમાં જોડાઇ જશે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, બોરિસ જોનસને મુસ્લિમ મહિલાઓ, ઇસ્લામને લઇને ઘણીવાર ખોટી નિવેદનબાજી કરી છે જેથી તેમને લાગે છે કે, તેઓ પીએમ બનવાને લાયક નથી.