(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર અને દરિયાપુર બેઠક પર જીત મેળવવાને ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી નાંખ્યો છે તે કોઈપણ ભોગે આ બઠક ખૂંચવી લેવા માગે છે અને તેને મુસ્લિમ સમાજના ગદ્દાર અને લાલચું લોકોનો સહકાર મળી રહેતાં દોડવું હતું ને ઢાળ મળ્યો જેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ સોશિયલ મીડિયાએ મુસ્લિમ સમાજને જાગૃત કરતાં તેમની મેલીમુરાદ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપે જ્યાં જ્યાં મજબૂત મુસ્લિમ ઉમેદવારો ઊભા છે તે તમામ બેઠકો પર મુસ્લિમ સમાજના જ પૈસાના લાલચુ અપક્ષ ઉમેદવારોને ઊભા રાખી મુસ્લિમ મતોનું વિભાજન કરવાનો હિન પ્રયાસ કર્યો છે. અમદાવાદ શહેરની જમાલપુર, દરિયાપુર, વેજલપુર તથા સુરત પૂર્વ વાંકાનેર, ભૂજ, વાગરા, ભરૂચ, લિંબાયત બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ અને એનસીપીના મજબૂત ઉમેદવારો ઊભા છે. આથી ભાજપે આ તમામ બેઠકો પર વધુમાં વધુ અપક્ષોને ઊભા રખાવી મતો તોડવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તેમાંય દરિયાપુર અને જમાલપુર બેઠક પર તો ભાજપે તમામ તાકાત કામે લગાવી છે અને ભાજપના નેતાઓને આ બેઠક તોડવા કામે લગાડી દીધા છે. આજરોજ બેઠકના એક જાણીતા મુસ્લિમ ઉમેદવાર એક સમયે કોંગ્રસના મજબૂત નેતા અને હાલ ભાજપના આગેવાન નરહરી અમીનને ત્યાં જતાં લોકોએ નિહાળ્યા હતા. ભાજપે નરહરી અમીનને કેટલીક બેઠકોની જવાબદારી સોંપી છે. આથી અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારોને શામ દામ દંડ અને ભેદથી સમજાવી તેઓ ઉમેદવારી પાછી ન ખેંચે તે માટે સમજાવવાનું શરૂ કર્યું છે. જાણવા મળ્યા મુજબ આવતીકાલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી અપક્ષ કે નાના પક્ષોના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે કેટલાકને બહારગામ મોકલી દેવાયા છે તો કેટલાકને બોલાવી નાણાં આપી અડગ રહેવા સમજાવી દેવાયા છે. જ્યારે કેટલાક અપક્ષોને પોલીસ રક્ષણ આપી તેમની પર વોચ રાખવાનો પ્રયાસ કરાયો છે. આથી હાલ અપક્ષ ઉમેદવાર પ્રચાર કરવા જાય છે ત્યારે પોલીસ તેમની સાથે જ હોય છે. તેમ છતાં તેઓને ઠેર-ઠર મોળો પ્રતિસાદ મળી રહ્યો છે તો કેટલીક પોળ કે સોસાયટીમાં તો તેમને પ્રવેશવા માટે ઘસીને ના પાડી દેવાતાં તેમની હાલત કફોડી બની જાય છે. કારણ કે મુસ્લિમ સમાજે જાગૃત બની ઠેર-ઠેર ‘અપક્ષ ભગાવો’ના બેનરો લગાવી જીતી શકે તેવા જ ઉમેદવારને ચૂંટી કાઢવાનું નક્કી કર્યું છે. આથી અપક્ષો કે નાના પક્ષોના ઉમેદવારોને જાકારો મળતા ભાજપની મેલીમુરાદ પર પાણી ફરી વળશે તેવી સ્થિતિ સર્જાઈ છે.