(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૨
દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીના પાંચેય મુસ્લિમ ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે અને તે પણ મોટા માર્જીનથી તેઓ વિજયી બન્યા છે. દિલ્હીમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના વિરોધી ઉમેદવારો સામે આપ દ્વારા મુકાયેલા પાંચેય મુસ્લિમ ઉમેદવારોની જીતથી સાબિતથાય છે કે, આ વિસ્તારોના લઘુમતી મતદારોએ સત્તાધારી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કર્યું હતું. આપના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને ઓખલા બેઠક પરથી ભાજપના બ્રહ્મસિંહને ૭૦ હજાર કરતા વધુ મતોથી વિજય મેળવ્યો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પરવેઝ હાશમીએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી હતી.
સીલમપુરમાં આપના અબ્દુલ રહેમાને ભાજપના સંજય જૈનને ૩૬,૯૨૦ મતોથી હરાવ્યા હતા જ્યાં કોંગ્રેસના પાંચ વખતના ધારાસભ્ય મતિન અહમદ ત્રીજા નંબરે રહ્યા હતા. બલ્લિમારન સીટ પરથી આપના ઉમેદવાર ઇમરાન હુસૈને ભાજપના લતા સોઢીને ૩૬,૧૭૨ મતોથી હરાવ્યા હતા અને પાંચ વખતના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી હારૂન યુસુફ ત્રીજા નંબરે રહ્યા હતા. મટિયા મહલમાં આપના શોએબ ઇકબાલ ભાજપના રવિન્દર ગુપ્તા સામે સરળતાથી ૫૦,૨૪૧ મતોથી જીતી ગયા હતા જ્યારે કોંગ્રેસના મિરઝા જાવેદઅલી હારી ગયા હતા. મુસ્તફાબાદમાં આપના હાજી યુનુસે ભાજપના જગદીશ પ્રધાનને ૨૦,૭૦૪ મતોથી હરાવ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અલી મેહદી પાંચ આંકડામાં પણ પોતાના મતોની સંખ્યા પહોંચાડી શક્યા ન હતા. મહત્વનું એ છે કે, મુસ્તફાબાદ ૨૦૧૫માં ભાજપે જીતેલી ત્રણમાંથી એક બેઠક છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આપની જીત અંગે પ્રતિક્રિયા આપતા આપના નેતા મહમૂદ અહમદે કહ્યું કે, અરવિંદ મુખ્યમંત્રી કેજરીવાલના કામને કારણે અમને મોટો વિજય મળ્યો છે. અમે અમારો બધો સમય લોક કલ્યાણ માટે આપીએ છીએ પછી તે પીવાની પાણી, ગટર અથવા સીસીટીવી લગાવવાની વાત હોય.