(એજન્સી) તા.૧૧
અમેરિકાની વિદેશ નીતિમાં માનવાધિકારોની ભૂમિકા ચકાસવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ બનાવેલી ૧૦ સભ્યોની સમિતિમાં સામેલ થવાના નિર્ણય બદલ અમેરિકન મૂળના જાણીતા ઈસ્લામિક વિદ્વાન હમઝા યુસુફની ટીકા થઈ રહી છે. પોમ્પિઓએ સોમવારે આ સમિતિ વિશે જાહેરાત કરતાં કહ્યું હતું કે આ સમિતિમાં વિવિધ પશ્ચાદ્‌ભૂમિકા અને માન્યતાઓ ધરાવતા માનવાધિકાર નિષ્ણાંતોને સામેલ કરવામાં આવ્યા છે અને તેમને અમેરિકાની જાહેર નીતિમાં માનવાધિકારોની ભૂમિકા તપાસવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભણેલા અને ઈસ્લામિક સ્ટડીઝના લેકચરર ડૉ.ઉસામા અલ-આઝમીએ કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે કામ કરવાનો યુસુફનો નિર્ણય પશ્ચિમ જગતના ઈસ્લામ માટે સમસ્યારૂપ છે. આઝમીએ જણાવ્યું હતું કે, પશ્ચિમના સૌથી જાણીતા અને લગભગ સમગ્ર વિશ્વમાં સન્માનીય મુસ્લિમ વિદ્વાનના અમેરિકન ઈતિહાસના સૌથી ઝેરીલા અને ઈસ્લામોફોબિક વહીવટીતંત્ર સાથે કામ કરવાના નિર્ણયને ઘણા મુસ્લિમો એક અક્ષ્મ્ય ભૂલ તરીકે જોશે જેને સરળતાથી ભૂલી નહીં શકાય.