પોલીસ ગોળીબારના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો મુસ્લિમ યુવાન

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮

ગત મોડી રાતે શહેરનાં અડાણીયા પુલ નજીકથી પસાર થઈ રહેલા એક મુસ્લિમ યુવકનાં રંગેચંગે નિકળેલા વરઘોડા ઉપર કટ્ટરવાદી તત્વોએ કરેલા પથ્થરમારાને પગલે ઘડી બે ઘડીમાં શાંત વાતાવરણમા પલિતો ચંપાતા હિંસક વળાંક લીધો હતો. હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો સામસામે મારક હથિયારો લઈ મારા કાપોનાં બુમબરાડા પાડી સામસામે પથ્થર મારો શરૂ કર્યો હતો. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે હિંસક ટોળાને વિખેરવા ૧૦ ગોળીબાર અને પાંચ ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. ગોળીબારને લીધે એક નિર્દોષ મુસ્લિમ યુવકને ગોળી વાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સીટી પોલીસે ઓળખી કાઢેલા ૧૧ આરોપી સહિત ૨૫૦થી ૩૦૦ના ટોળા સામે રાયોટીંગ ખુનની કોશિષ એક્સપોઝીટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાથીખાના પટેલ ફળીયામાં રહેતા મકસુદમીયાં જીવામીયાંના ભાણેજ મોહસીનનાં લગ્ન હોવાથી ગત રાત્રીનાં ૧૨ વાગ્યાની આસપાસ રંગેચંગે વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડો કોયલી ફળીયા થઈ રમેશ પહેલવાનના ખાંચા પાસેથી પસાર થઈ રહ્યો હતો. બરાબર તે વેળા તોફાની તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આથી વરઘોડામાં સામેલ સૌમાં ગભરાટ ફેલાતા ભાગદોડ મચી ગઈ હતી. વરઘાડાને ઝડપી પસાર કરી વરરાજાને હેમખેમ ઘરભેગા કરવામાં આવ્યા હતાં.

પથ્થરમારના લીધે બંને કોમનાં લોકો મારક હથિયારો સાથે મારો કાપોનાં હોંકારા પડકારા કરતા સામસામે આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. જોત જોતામાં શાંત વાતાવરણમાં અચાનક ભડકો થતાં ભરનિંદર માણી રહેલા વિસ્તારનાં રહિશો સફાળા જાગી શું થયુ તેની મથામણ કરતા હતાં.

નજીવી છતાં હાથે કરીને ઉશ્કેરણી કરી સર્જાયેલી કોમી ઘટનાને પગલે પોલીસના ધાડેધાડા ઉમટી પડ્યા હતાં. ફરી એકવાર પોલીસે એની ખાખી વર્ધીનો રૂઆબ મુસ્લિમ વિસ્તારો ઉપર છાંટી સીરપાવ લેવા પ્રયાસ કર્યો હતો. આવતાવેત આંસુના ગેસના પાંચ સેલ અને ૧૦ રાઉન્ડ ગોળીબાર કરી તોફાની ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો હતો. ટોળા વિખરાયા પછી પોલીસે અસલ સ્વરૂપ બનાવ્યું હતું. નિષ્પક્ષ કામગીરી કરવાને બદલે મુસ્લિમ મહોલ્લાઓમાં ઘુસી બંધ દરવાજાઓને દંડા અને લાત મારી તોડી નાખ્યા પછી મહિલાઓને કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળો ભાંડી હતી. વડોદરાની ખાખી વર્ધીનો આ ચહેરો છે જે મહિલાઓની પણ આમન્યા નથી જાળવતો.  ઘરમાંથી એક નિર્દોષ વૃધ્ધને બહાર ખેંચી કાઢ્યા હતાં તેમને ગાળો ભાંડી એક લકવાગ્રસ્ત વ્યક્તિને ઘરમાં ખેંચી લઈ જવા પ્રયાસ કરતી પોલીસને મહિલાઓ ફરી વળતા માંડ છોડાવ્યો હતો. સાંઈબાબા એપાર્ટમેન્ટમાં જાણે આતંકવાદીઓ રહેતા હોયતેમ તોડફોડ કરી ખાખીએ આતંક મચાવતા સુતેલા બાળકો, વૃધ્ધો, મહિલાઓ પારેવાની જેમ ફફડી ઘરનાં ખુણે ખાંચરે છુપાવા પ્રયાસ કર્યો હતો. કોમી તોફાન વખતે પોલીસે નિષ્પક્ષ કામગીરી કરવી જોઈએ તેને બદલે કો જાણે કોનો સીરપાવ લેવા માટે મુસ્લિમોને નિશાન બનાવી જુલમ ગુજારતી ખાખી વર્ધીને લીધે વિસ્તારમાં ભારે અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયુ છે.

સીટી પોલીસમથકનાં પોસઈ એન.જે.બીરાડેએ સ્વયં ફરીયાદી બની ૧૧ આરોપીઓ સહિત ૨૫૦ થી ૩૦૦નાં ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધી છે જેમાં દિપક ગેરેજવાળો, નિંબાલકર, મેડી ઉર્ફે જીગર જાડીયો, બંસી ડીજેવાળાને ત્યાં કામ કરતો યુવક ,ગણેશ ટકલો, આસીફ, ઈનાયત ઈકબાલ ખાં દુધવાલા, આરીફ તાજમહંમદ શેખ અને મકસુદમીયા જીવા મીયા મળી ૯ આરોપીઓને પોલીસે ઓળખી બતાવી ફરિયાદમાં સામેલ કરેલા છે. પોલીસે જેમને ત્યાં લગ્ન હતાં તે મકસુદમીયાં જીવા મીયાને પણ આરોપી બનાવી દીધો છે.