(એજન્સી) જયપુર, તા. ૨૬
રાજસ્થાનના ચિત્તોડગઢમાં મોબ લિંચિંગની ઘટના બહાર આવી છે. ચિત્તોડગઢમાં એક મંદિર પાસે હિંસક ટોળા દ્વારા ૨૨ વર્ષીય મુસ્લિમ યુવક અઝહરખાનને ભારે માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલમાં આઠ દિવસ સુધી સારવાર પછી અઝહરનું મૃત્યુ નીપજ્યું હતું. મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૭મી સપ્ટેમ્બરે સર્જાયેલી આ બિહામણી ઘટનામાં અઝહરખાન ચિત્તોડગઢના ખૈરી ગામના મંદિર પાસેની રૂરલ નદી કાંઠે માછલી પકડી રહ્યો હતો ત્યારે ગામના લોકોના એક હિંસક ટોળા દ્વારા અઝહર ખાનને ભારે માર મારવામાં આવ્યો હતો. અઝહરખાનનું ૨૨મી સપ્ટેમ્બરે ઉદયપુરની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. અઝહરખાનના કાકા રિયાઝખાને આ ઘટના અંગે પોલીસ સમક્ષ એફઆઇઆર નોંધાવી છે. પોલીસે અઝહરખાનની હત્યાના સંદર્ભમાં અજ્ઞાત લોકો સામે કેસ નોંધી લોધી પરંતુ આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે પરસોલી સ્ટેશનના ઓફિસર પ્રણીણસિંહે જણાવ્યું છે કે ગુરૂવારે તેમણે કેટલાક લોકોની અટકાયત કરી હતી પરંતુ કોઇ માહિતી હાંસલ થઇ શકી નથી. મીડિયાએ પોલીસને જણાવ્યું કે અઝહરખાન તેના ત્રણ મિત્રોની સાથે રૂરલ નદી કાંઠે ગયો હતો. હિંસક ટોળાએ હુમલો કર્યો ત્યારે અઝહરના ત્રણ મિત્રો નાસીછૂટવામાં સફળ રહ્યા હતા પરંતુ અઝહરખાન ભાગી શક્યો ન હતો અને હિંસક ટોળું લાઠીઓ સાથે તેના પર તૂટી પડ્યું હતું. પોસ્ટમોર્ટન કર્યા બાદ અઝહરખાનનું શબ તેના પરિવારને સોપવામાં આવ્યા બાદ બિછોર ગામમાં તનાવ ફેલાઇ ગયો છે.