(એજન્સી) અલીગઢ,તા.૨૯
હત્યા કરાયેલા મંદિરના પૂજારી રૂપ સિંહના પરિવારે માનવ અધિકારના કાર્યકરોના પ્રતિનિધિમંડળને કહ્યું છે કે, ગત સપ્તાહે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે મુસ્લિમ યુવાનો નિર્દોષ હતા. બે યુવાનો ૧૭ વર્ષીય નૌશાદ અને ૨૦ વર્ષીય મુસ્તકીમનું ૨૦ સપ્ટેમ્બરના રોજ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર બાદ, પોલીસએ મીડિયાને કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં જિલ્લાના મંદિરના પૂજારીની રૂપસિંહ સહિત છ હત્યાઓ પાછળ તેમનો હાથ હતો.
માનવ અધિકાર રિહાઇ મંચના કેટલાંક કાર્યકરો અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાંક વિદ્યાર્થીઓએ તાજેતરમાં એન્કાઉન્ટર કરાયેલા નૌશાદ અને મુસ્તકીમના પરિવાજનો સાથે મુલાકાત કરી હતી. સાથે હત્યા કરાયેલ પૂજારીના પરિવારને પણ મળ્યા હતા.
પત્રકારોને આપેલા નિવેદનમાં રીહાઈ મંચે જણાવ્યું કે, હત્યા કરાયેલ પૂજારી રૂપ સિંહના ભાઈ ગિરિરાજ સિંહે માત્ર તેમની ભાઈના હત્યા વિશે સવાલો ન ઉઠાવ્યા પણ સાથે ૨૦ સપ્ટેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકો વિશે પણ કહ્યું હતું. ગિરિરાજ સિંહે જણાવ્યું કે, જ્યારે મારા ભાઈની હત્યા થઈ એ વખતે મારા મોટા ભાઈ રૂપ સિંહથી મળ્યા હતા. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકોને પૂજારીના હત્યારા ગણાવતા ગિરિરાજ સિંહે કહ્યું કે, પોલીસ હજી સુધી મારા ભાઈ(પૂજારી)નો બેગ અને મોબાઈલ ન શોધી શકી. એ બે યુવકોએ પૂજારીની હત્યા શા માટે કરી હશે? તેઓ નિર્દોષ છે.
અલીગઢમાં ૧૬ સપ્ટેમ્બરના રોજ હરડુગંજ પોલીસ સ્ટેશન નજીક આવેલ સફેદપુર ગામમાં પૂજારી સાથે એક યુગલ એમ કરીને ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. રૂપ સિંહ સાથે યોગેન્દ્ર કુમાર લોધ અને તેની પત્ની વિમલેશનો મૃતદેહ મળ્યો હતો. ૨૦ સપ્ટેમ્બરે નૌશાદ અને મુસ્તકીમનું એન્કાઉન્ટર કર્યા બાદ અલીગઢના પોલીસ સુપ્રીટેનડેન્ટ મણિલાલ પાટીદારે મિડિયાને જણાવ્યું કે, મુસ્તકીમ અને નૌશાદ ગુના કર્યા બાદ અલગ અલગ જગ્યાઓ બદલી રહ્યા હતા અને સાથે ઘણી હત્યાઓમાં સામેલ હતા. તેમણે અલીગઢમાંથી ગત રાતે એક બાઇક ચોર્યું હતું. એન્કાઉન્ટર કર્યાના થોડા કલાકો બાદ નૌશાદ અને મુસ્તકીમના પરિવાજનોએ પત્રકાર પરિષદ યોજીને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પરિવારજનોએ દાવો કર્યો હતો કે, તેમના સંતાનોને પોલીસ એન્કાઉન્ટરના ચાર દિવસ પહેલા ઘરેથી ઉઠાવીને લઈ ગઈ હતી.પોલીસે તેમના સંતાનોની ઠંડા કલેજે હત્યા કરી છે.
માનવ અધિકારના સંગઠન સાથે વાતચીત કરતા મૃતક પૂજારીના ભાઈએ ઘણા ખુલાસાઓ કર્યા હતા.તેમણે કહ્યું કે, આ હત્યા ગામના લોકોના સામેલ થયા વગર થઈ શકે નહીં. આ પહેલા પણ ઘણી વખત મંદિર માંથી કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે. એક વખત ૬૦ હજારનું એમ્પ્લીફાયર ચોરાયું અને જ્યારે બીજી વખત ૯૦ હજાર રૂપિયા ચોરાયા હતા. એવું પણ થઈ શકે કે, આ વખતે ચોર ચોરી કરવા આવ્યો હોય અને પૂજારી જાગી ગયા હોય અને તેઓ ચોરને ઓળખી ગયા હોય જેથી તેઓની હત્યા કરવામાં આવી હોય. ત્યારબાદ તેઓ નજીકના કુવા પાસે પહોંચ્યા જ્યાં એક દંપતિ ડુક્કરને ભગાડવા માટે દવા છાંટી રહ્યો હતો. દંપતિ ચોરોને જોઈ લીધા જેથી ચોરોએ તેમને પણ મારી નાખ્યા હતા. આનાથી માલુમ થાય છે કે, ચોર એજ ગામના હતા.
પૂજારીના ભાઈએ આગળ કહ્યું કે, પોલીસ ફરિયાદ કરવા પહોંચી ત્યારે, પોલીસે એક વિડીયો બતાવ્યો જેમાં એક વ્યક્તિ પૂજારીની હત્યા કર્યા હોવાનું કહી છેલ્લી આઠ વાગ્યાની ટ્રેન પકડી હોવાની કહી રહ્યો છે.જોકે એજ સમયે એટલે કે , આઠ વાગે મારા મોટા ભાઈ પૂજારીને મળ્યા હતા. આ કંઈરીતે શક્ય બન્યું?
રિહાઇ મંચ ટીમ મુસ્તકીમ અને નૌશાદના પરિવારને પણ મળી હતી. ટીમે નોંધ્યું કે, તેમના ઘરે આવનાર દરેક લોકો પર પોલીસની એક ટીમ બાજ નજર રાખી રહી હતી. મુસ્તકીમની માતા શબાનાએ જણાવ્યું કે, તેમનો પુત્ર નિર્દોષ હતો. પોલીસ ૧૬ સપ્ટેમ્બરે પોતે પકડીને લઈ ગઈ હતી. પોલીસની ટીમે બંનેને માર મારી શોષણ કરાયું હતું. એજ રાતે પોલીસે અમને આવીને કહ્યું હતું કે, તેઓ બંને ભાગી ગયા છે. મુલાકાત પછી, રિહાઈ મંચે પીડિત કુટુંબો અને તેમના દાવાઓ અંગે ઉત્તર પ્રદેશ ડીજીપીને પત્ર લખ્યો હતો. રીહાઈ મંચના પ્રતિનિધિમંડળની આગેવાની તેના મહાસચિવ રાજીવ યાદવ દ્વારા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો હતાઃ અવદેશ યાદવ, રાવિશ આલમ, શાહરૂખ અહમદ, એએમયુના વિદ્યાર્થી નેતા ઇમરાન ખાન, અહમદ મુસ્તફા, આમિર, સોહેલ મુસર્રત, શરઝીલ ઉસ્માની, અયાન રંગરેઝ, રાજા, આરીશ અરાફાત અને મોહમ્મદ નસીફ.