(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૩
હાલમાં દેશભરમાં મોબલિંચિંગની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળે છે. ત્યારે ગૌવંશના નામે કરાતી હેરાનગતિ, મારપીટની ઘટનાઓ પણ ઓછી નથી. ગૌવંશના નામે કેટલાય શખ્સોની હત્યાઓ કરવામાં આવી છે. છાકટા બનેલ આવા તત્વોને નાથવા તંત્રના હાથ પણ ટૂંકા પડે છે. જેથી આવા તત્વોને મોકળું મેદાન મળી જાય છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના લીરા ઉડાવી આવા તત્વો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. છાકટા બનેલ આવા તત્વોે સામે કાયદાના ગાળિયો સખ્ત બનાવવાની જરૂર છે. એવી જાગૃત લોકોની માંગ છે.
ગૌવંશના નામે બે મુસ્લિમ યુવકોને ફટકારવાનો બનાવ સુરતમાં બનવા પામ્યો છે.
સુરતના ભટાર વિસ્તાર બનેલા એક વિચિત્ર અને આંખ ઉઘાડનાર કિસ્સામાં બે હિન્દુ યુવકો ગાયને બેરહેમીપૂર્વક લાકડાના ફટકા વડે જ્યારે મારી રહ્યા હતા. તે સમયે બે મુસ્લિમ યુવકોએ આગળ આવી મુંગા પશુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બંને હિન્દુ યુવકોએ નફ્ફટાઇપૂર્વકવર્તી મુસ્લિમ યુવકોને લાકડાના દંડા વડે ફટકાર્યા હતા. આ અંગે બંને ભોગ બનનાર યુવકોએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં ગૌવંશ પર હુમલા કરનાર બંને હિન્દુ યુવકો સામે ગૌવંશ પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભટાર રોડ વિસ્તારમાં રહેતા અયાઝ સમુસદ્દીન શેખે ભટાર રોડ વિસ્તારના જ ઇન્દિરાનગરમાં રહેતા રણજીતસિંગ રામનારાયણ રાઠોડ, અમરજાતસિંગ રામનારાયણ રાઠોડ વિરૂદ્ધ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના જણાવ્યા મુજબ ઈન્દિરાનગર વિસ્તારની મુરલીધર ડેરીની ગલીમાં એક ગાય બચ્ચાને જન્મ આપવાની તૈયારીમાં બેઠી હતી. ત્યારે આરોપી હિન્દુ યુવકો આ ગાયને સ્ટીલના શેડવાળા લાકડાના દંડાથી બેરહેમીપૂર્વક ફટકારતા હતા. આ સમયે ફરિયાદી અયાઝ શેખે ગાયને મારવાની ના પાડતા ઉશ્કેરાયેલા હિન્દુ યુવકોએ અયાઝ શેખ અને તેના મિત્ર ઈમરાન અલીનશેખ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.