(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા. રપ
વઢવાણ શહેરમાં ભાટવાડ નાકા પાસે રહેતો મુસ્લિમ યુવાન નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યારે વઢવાણના ધોળીપોળ પાસેના પુલ ઉપર એક બાઈક ચાલકે અડફેટે લેતાં તેને બેભાન અવસ્થામાં દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નીવડતા યુવાનનું મોત નિપજ્યું હતું. જેના પગલે મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજુ છવાઈ જવા પામેલ હતું.
જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના ભાટવાડ નાકા પાસે આવેલ કસ્બા શેરી મુસ્લિમ વિસ્તારમાં રહેતા એજાજભાઈ ફરીદભાઈ મિર્જા (ઉ.વ.૩ર) તેના ઘરેથી નીકળી અને પગપાળા વઢવાણ પાસે આવેલ એસ.એસ.વ્હાઈટ કંપનીમાં નોકરી માટે નીકળ્યો હતો. વઢવાણના ધોળીપોળ પાસેના પુલ ઉપર એક બાઈકના ચાલકે એજાજને અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર પડી ગયા બાદ તેને હેમરેજ થઈ જતાં બેભાન હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન એજાજ ફરીદભાઈ મિર્જાનું મોત નિપજેલ હતું. આ બનાવ બાદ સમાજના યુવકો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે મૃતક એજાજનું નાના વયે અકસ્માતમાં મોત નિપજતા તેના પત્ની અને ત્રણ વર્ષની પુત્રી નોંધારી બનેલ છે.