(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરત શહેર લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ સંકલનની મિટીંગમાં કહેલ કે લિંબાયત વિસ્તારમાં રહેતા હિન્દુઓના મકાનો મુસ્લિમો ખરીદી રહ્યાં હોવાનું જણાવી લિંબાયત વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માગણી કરવાના સંદર્ભે આ બાબતને સુરત વર્સેટાઇલ માઇનોરીટી ફોર્મ જેવી સંસ્થાએ વિરોધ નોંધાવી જણાવેલ કે, અશાંતધારા લાગુ પાડવો જોઇએ તે શબ્દ બંધારણમાં બક્ષેલા મૂળભૂત અધિકારો જે નાગરિકોને આપવામાં આવ્યા છે તેનું હનન થાય છે. સુરત શહેરના જુદા જુદા સાત જેટલા મોટા વિસ્તારોમાં જ્યાં મુસ્લિમોના મોટાપાયે વસવાટ હતો ત્યાં રાજ્યમાં થયેલા બે મોટા કોમી તોફાનોમાં મુસ્લિમોએ પોતાના મકાનો ઓછી કિંમતે હિન્દુઓને વેચી બીજી જગ્યાએ સ્થળાંતર થયું ત્યારે કોઇ અશાંતધારાની માગણી કરી ન હતી તો પછી લિંબાયતમાં કેમ તેવા વૈધક પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વર્સેટાઇલ માઇનોરિટી ફોર્મના પ્રમુખે જણાવ્યું હતું કે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેનને ટાંકીને જણાવેલ કે સુરત શહેરમાંથી ૧૯૯ર તથા ર૦૦ર પછી શહેરના પાલનપુર પાટીયા, હીદાયતનગર, પાંડેસરા ગુલશનનગર, હાઉસીંગ બોર્ડ, પિયુષ બમરોલી રોડ, વેડરોડ, વિજયનગર, કતારગામ, કાંસાનગર, દરબારનગર ૧-ર, વિશ્રામનગર, વરાછા લંબેહનુમાન રોડ, બરોડા પ્રિસ્ટેજ, વસ્તાદેવડી રોડ, ભટાર રસુલાબાદ, ડુમસગામ, કાદીફળિયા, નાની બજાર, પાલ ગામ, અડાજણ ગામ, વરીયાવ સાયણ રોડ, મોટા વરાછા, નાના વરાછા, સલાબતપુરા, બેગમવાડી, ઉમરવાડા, ભાઠેના, કમેલા દરવાજા આ બધા વિસ્તારોમાંથી મુસ્લિમોનું સ્થળાંતર થયું છે. ત્યારે કોઇએ પણ ત્યાં અશાંતધારો લગાવવાની કદી માગણી કરી ન હતી તેને લોકોએ અને કલેક્ટરના ધ્યાને લાવવું જોઇએ.
આ ઉપરાંત સંગીતાબેન પાટીલનો ભાજપ પક્ષના તેમની સામે તેમની નિષ્ક્રીયતા અને મતદારો પ્રત્યે ઉદાસીનતાના કારણસર રોષ ભભુકી રહ્યો છે અને તેમના પક્ષના બે આગેવાનો મુરલીધર પાટીલ અને રવિન્દ્ર પાટીલ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયાં છે. તે લોકો ગીતાબેનને ચૂંટણીમાં હરાવી દેશે તેવી સંગીતાબેનને પ્રતિતિ થઇ ગઇ છે, તેથી એડવાન્સમાં પોતાની હારનું કારણ મતદારોથી થતી ઓછી સંખ્યા દર્શાવવાના પ્રયાસ કર્યો છે. ભારતના બંધારણમાં પાંચ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તેમાં કોઇપણ નાગરિક ભારતમાં ગમે ત્યાં વસવાટ કરવાની છુટ છે. લિંબાયતએ સુરતનો કોશમોપોલીટન મતવિસ્તાર છે. જ્યાં સમગ્ર ભારતના જુદા જુદા પ્રાતોમાંથી જુદી જુદી કામોના લોકો આવીને વસેલા છે, જો નાગરિકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને તેને સારી સુખ સુવિધાવાળા વિસ્તારમાં જવાનો મોકો મળે ત્યારે તે લોકો પોતાનો જૂનો રહેઠાણ વિસ્તાર છોડીને નવા રહેઠાણ વિસ્તારમાં જતા હોય છે, તેની પાછળકોઇ ધાક ધમકી કે લાલચ નહોતી. સંગીતાબેનને એ જણાવવાનું કે મતદારો, મતદારો જ હોય છે, તેમાં કોઇ હિન્દુ કે મુસ્લિમ મતદારો હોતા નથી. તેમની આ માંગણી ખૂબ જ બાલીશ અને નાદાનીભરી છે. આમ કરીને તેઓ પોતાની મિલકતના સારા ભાવ આવતા હોવાથી મીલકતો વેચવા નીકળેલ નાગરિકોની મીલકતો નહીં વેચવા દેવાનો પ્રયાસ એટલા માટે છે કે પોતાના મતદારો ઓછા ન થઇ જાય. મતદારો વચ્ચે વિભાજન કરવાને બદલે સંગીતાબેન જો મતદારોના પ્રશ્ન પ્રત્યે ધ્યાન આપે તો તેમને આવા નિવેદનો કરવાની જરૂર પડે નહીં. અશાંતધારાની માગણી કરવી એ વાતની પ્રતિતિ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે, અને અશાંતિનું વાતાવરણ છે.જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ બે કોમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના ઇરાદાથી અને મતોનું પોલોરાઇઝેશન કરવાના પ્રયાસ રૂપે લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની માગણી કરી તેવું દેખાય છે. સંગીતાબેને આ પ્રશ્ન માત્ર કલેક્ટર સાથેની સંકલન સમિતિમાં નથી ઉઠાવ્યો પરંતુ જાહેરમાં ટીવી ચેનલો પર આ બાબતે ઇન્ટરવ્યુ આપી નિવેદનો કરેલ છે જે દુઃખદ બાબત છે. લિંબાયતમાં આજદિન સુધી કોઇને ધાક ધમકી આપી મિલકત પચાવી પાડવાનો કોઇપણ ગુનો નોંધાયો નથી. તો પછી સંગીતાબેન પાટીલ કયા આધારે નિવેદનો કરે છે ? તે તમામ મતદારોએ અને નાગરિકોએ સમજવું જોઇએ, વર્સેટાઇલ માઇનોરિટી ફોર્મની માંગણી છે કે, સંગીતાબેન પાટીલ આવા બેજવાબદારી ભર્યા નિવેદનો કરીને શહેરમાં શાંતિનું જે વાતાવરણ છે તેને ડહોળવાનો પ્રયાસ કરે છે તેવું વર્સેટાઇલ માઇનોરીટીઝ ફોરમના પ્રમુખ એડવોકેટ બાબુ પઠાણએ અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.