(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૦
દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં મંગળવારે શોભા યાત્રા કાઢવામાં આવી હતી.આ શોભા યાત્રા વિશ્વ હિંદુ પરિષદે કાઢી હતી. ખાસ વાત એ છે કે, વિસ્તારના મુસ્લિમો આ શોભા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરી રહ્યા હતા.તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મંદિરમાં તોડફોડ બાદ કોમી તંગદિલી જોવા મળી હતી પરંતુ મંગળવારે આ માહોલ એકદમ અલગ લાગતું હતું. અહેવાલો અનુસાર જુની દિલ્હીમાં હૌજ કાઝીના લાલ કુંવા વિસ્તારના આ મંદિરમાં નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી જ્યાં ગયા અઠવાડિયે તોડફોડ કરવામાં આવી હતી. મંગળવારે સવારે ૧૦ વાગે મંદિરમાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.
તોડફોડ બાદ સ્થાનિક હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ કોઇ બહારના લોકોની મદદ વિના ફરી મૂર્તિઓની સ્થાપનાની જાહેરાત કરી હતી. મૂર્તિ સ્થાપના બાદ વિસ્તારમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી. ઘણા સ્થળો પર મુસ્લિમો શરણાઇ વગાડી રહ્યા હતા અને શોભા યાત્રાનું સ્વાગત કરી રહ્યા હતા. અમન કમિટિના લોકોએ શોભા યાત્રા કાઢી રહેલા લોકો માટે ખાસ ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી. વિસ્તારમાં સ્કૂટર ઉભું રાખવા અંગે વિવિધ સમુદાયના બે વ્યક્તિઓના ઝઘડાએ કોમી તંગદિલીનું રૂપ ધારણ કરી લીધું હતું જે બાદ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. પોલીસે આ ઘટનામાં સાત લોકોની ધરપકડ કરી છે. મંદિરમાં તોડફોડ બાદ વિસ્તારમાં તંગદિલી ઉભી થઇ હતી પણ સ્થાનિક લોકોએ સમજદારી દેખાડતા સમગ્ર મામલો ઉકેલ્યો હતો અને આરોપીઓને પકડવા માટે પોલીસનો સાથ આપ્યો હતો. સાથે જ બહારના લોકોને પણ ના આવવા કહ્યું હતું જેનાથી ધીમે-ધીમે તંગદિલી ઘટી હતી.

વિશ્વ હિંદુ પરિષદની ચેતવણી : હૌજ કાઝીને અમે અયોધ્યા બનાવી શકીએ છીએ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
દિલ્હીના હૌજ કાઝીમાં મંગળવારે ભારે ઉલ્લાસથી શોભા યાત્રા કાઢીને મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી જે દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના નેતા સુરેન્દ્ર જૈનને હૌજ કાઝીના સ્થાનિક લોકોને ચેતવણી આપી હતી કે, અમે હૌજ કાઝી અને બલ્લીમારનને અયોધ્યા બનાવી શકીએ છીએ. સુરેન્દ્ર જૈને કહ્યું કે, હવે હિંદુ માર ખાશે નહીં આ તેમણે સમજી લેવું જોઇએ. જૈને કહ્યું કે, આ કાર્યક્રમ અંતિમ નથી આ તો શરૂઆત છે અને માહોલ શાંત રહેશો તો કાંઇ વાંધો નહીં પણ જો ગરબડ થશે તો અમારે ફરી આવવું પડશે અને આના કરતા બમણી સંખ્યામાં આવવું પડશે. મેં સાંભળ્યું છે કે, હિંદુઓ અહીંથી પલાયન કરવાનું વિચારે છે. હું તેમને કહું છું કે, તેઓ ડરે નહીં અને અહીં જ રહે. અમે લડીશું અને જરૂર પડશે તો અહીં જ મરીશું. શોભા યાત્રામાં મોટી સંખ્યામાં બહારના લોકો અને હિંદુવાદી સંગઠનોના લોકો સામેલ થયા હતા. સ્થિતિને જોતા પોલીસે આશરે એક કિલોમીટર સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને માર્ગ પર વાહનોની અવર-જવરને બંધ કરી દીધી હતી. શોભાયાત્રા દરમિયાન મોટા પ્રમાણમાં ધાર્મિક નારેબાજી કરવામાં આવી હતી. ભાજપના સાંસદો વિજય ગોયલ, મનોજ તિવારી અને હંસરાજ હંસ પણ શોભાયાત્રામાં પહોંચ્યા હતા.