ભારતમાં મુસ્લિમો રાજકીય દૃષ્ટિએ એક non entity છે. લઘુમતી તરીકે ઓળખાતી આ કોમ ખરેખર તો દેશની બીજા નંબરની બહુમતી છે, અને છતાં દુર્ભાગ્યની વાત એ છે કે એના જેટલી વિવશ બીજી કોઈ કોમ નથી. એની ઉપર રોજ શાબ્દિક, શારીરિક, આર્થિક અને સાંસ્કૃતિક અત્યાચારોના પહાડ તૂટે છે, છતાં દોષનો ટોપલો એના જ માથે આવે છે. એની વિરૂદ્ધ એક કૃત્રિમ રાજકીય વાવાઝોડું ફૂંકવામાં આવી રહ્યુંં છે અને તે શાહમૃગની જેમ રેતીમાં માથું ઘાલીને નિષ્ક્રિય છે. આટલી મોટી સંખ્યા બીજી કોઈ રાજકીય રીતે પરિપકવ કોમની હોય તો તે King maker  હોવા ઘટે.
એના ઘણાં કારણો હોઈ શકે, પણ આંખે ઊડીને વળગે એવું મુખ્ય કારણ એ છે કે એમની પાસે કોઈ દૃષ્તા અને નીડર નેતા નથી. મ્યુનસિપાલિટી, રાજ્ય સભા અને પાર્લામેન્ટમાં ચૂંટાતા કહેવાતા મુસ્લિમ પ્રતિનિધિઓની ઉત્તરોઉત્તર ઘટતી જતી સંખ્યા નિરાશાજનક છે; પણ તે ખુદ મુસ્લિમ કોમની રાજકીય અપરિપક્વતાનું પરિણામ છે. મુસ્લિમ ‘નેતાઓ” આખા વરસ રાજકીય રીતે પ્રવૃત્ત રહેવાને બદલે ચૂંટણી પહેલા “સક્રિય” થાય છે. તેઓ કોમમાં રાજકીય સંસ્કાર સિંચતા જ નથી. ઈરાની ઉલમાઓએ ઈરાનમાં પશ્ચિમ વિરૂદ્ધ પ્રજામાં જે વ્યવસ્થિત જાગૃતિ આણી એવા કોઈ સભાન પ્રયાસનો એક અંશ પણ ભારતમાં જોવા નથી મળતો. પરિસ્થિતિના ડફણા ખાઈને પણ કોમ નથી સુધરતી. આર.એસ.એસે. જમ્મુમાં એવી હિંદુ માનસિકતા જન્માવી કે હવે ત્યાંથી નેશનલ કોન્ફરન્સ (NC)નો કોઈ પ્રતિનિધિ ચૂંટાય તેમ નથી. જ્યારે મુસ્લિમો જમાલપુર અને વાગરા જેવી બેઠકો પણ ન જાળવી શક્યા. ઈલેક્શન પહેલાં રાજકીય પંડિતો ગણતરી બહાર પાડે છે કે, ભારતમાં આટલી બેઠકોને મુસ્લિમ મત પ્રભાવિત કરી શકે છે. પણ મુસ્લિમોનું વોટિંગ પેટર્ન દરેક વખતે એમની કાળજીપૂર્વકની આગાહીઓ ખોટી સાબિત કરે છે. આ રીતે મુસ્લિમો પોતાનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખે છે. વહેંચાયેલી, વેચાયેલી, તકવાદી, ટૂંકી દૃષ્ટિવાળી, દોસ્ત અને દુશ્મનમાં વિવેક ન કરનારી અને તકવાદી વામણા “નેતાઓ” દ્વારા દોરવાતી કોમના માથા ઉપર ઈલેક્શનના પરિણામો એક ક્લંક સમાન બની જાય છે.
મ્યુનસિપાલિટી, ધારા સભા કે સાંસદમાં મુસ્લિમ પ્રતિનિધિઓ ન ચૂંટાય તો એમાં કોઈ માતમ કરવાની જરૂર નથી આ કહેવાતા મુસ્લિમ પ્રતિનિધિઓએ કોઈ પણ કાળે, કોઈ પણ પ્રશ્નમાં કોમનો પક્ષ લીધો જ નથી. જે વ્યક્તિ જેટલા ઊંચા હોદ્દા ઉપર હોય છે તેટલું જ એ કોમથી અંતર જાળવે છે. અખિલેશની સરકારમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૪૫ હોવાનો અહેવાલ આવેલો. પણ મુઝફ્ફરનગરના સંદર્ભમાં એમણે સૌએ અલિપ્ત રહેવામાં કે નિષ્પક્ષ રહેવામાં જ રાજકીય ડહાપણ જોયું. ૧૯૪૭ પછીનો ઈતિહાસ સાક્ષી છે, પસર્નલ લોની વાત હોય, અલીગઢના મુસ્લિમ કેરેક્ટરની વાત હોય કે છાશવારે થતા હુલ્લડો અથવા ગૌરક્ષાને નામે નિર્દોષોને મારી નાખવામાં આવે, ચૂંટાયેલા મુસ્લિમ પ્રતિનિધિઓ મૌન પાળીને બેસી રહે છે. જમિયતે ઉલમા, જમિયતે ઈસ્લામી કે મિલ્લી કાઉન્સિલ કોઈ મુદ્દા ઉપર વિરોધ કરે તો ચૂંટાયેેલા મુસ્લિમ પ્રતિનિધિઓ જોયા કરે છે. હોદ્દો ગયા પછી હામિદ અંસારી સાહેબની જેમ હૈયા વરાળ કાઢતા ફરે છે. એમાં પણ કોમ પ્રત્યે હમદર્દીને બદલે રાજકીય છાંટ વધારે હોય છે, એમના નિવેદનમાં કોઈ એક પ્રીતિ પાત્ર પક્ષ પ્રત્યે કૂણું વલણ સાફ દેખાઈ આવે છે.
આઝાદી પછી શેખ અબ્દુલ્લાહને સમગ્ર ભારતના મુસ્લિમોના નેતૃત્વનું સૂચન કરવામાં આવ્યુંં હોવાનું કહેવાય છે, એમના કદનો કોઈ નેતા ના હતો, પણ એમણે કાશ્મીર સુધી સીમિત રહેવાનું મુનાસિબ માન્યું. આજે પણ એન.સી. હોય કે મુફ્તીનો પક્ષ, ભારતના મુસ્લિમોના પ્રશ્નોમાં ઝાઝું માથું મારતા નથી. તેઓ કાશ્મીરી તરીકેની એમની છબિ જાળવી રાખે છે. કાશ્મીર સુધી જ સીમિત રહેવા માંગે છે.
ભાજપે યુ.પી.માં એક પણ મુસ્લિમને ટિકિટ ન આપી, પણ માલેગાંવમાં થોકબંધ મુસ્લિમોને ઊભા રાખ્યા. સૌ ભૂંડી રીતે હાર્યા, એ વાતને જવા દો. પણ આટલી મોટી સંખ્યામાં એ લોકો તૈયાર થઈ ગયા એ જ વિનાશ કાણે વિપરીત બુદ્ધિનો બોલતો પુરાવો છે. મુસ્લિમો પોતાના રાજકીય અસ્તિત્વને પોતે જ નામશેષ કરી રહ્યા છે. પોતાના રાજકીય મહત્ત્વની હાંસી ઉડાવી રહ્યા છે. એ રાજકીય આપઘાત નથી તો શું છે ?
મોટેભાગે કહેવાતા મુસ્લિમ આગેવાનોનું કોઈ સામજિક કાર્ય હોતું નથી જેમાંથી એને ચૂંટણી વખતે પીઠબળ મળે. કોમમાં એના મૂળિયાં જ નથી હોતાં, એ તો જે તે પક્ષના કોઈ પ્રભાવશાળી નેતાની કૃપાથી ટિકિટ મેળવે છે. એટલે કે નેતા કોમમાંથી ઉભરતો નથી, ઉપરથી ઠોકી બેસાડવામાં આવે છે. મારો એક શેર નીચે મુજબ છે.
જર્રા ચમક કે ગેર કો રોશન ન કર શકા
દમ ખમ નહીં હે રેહબરે આલી જનાબ મેં
અર્થાત્‌ સૂરજના કિરણોને લીધે એકાદ રજકણ ઝળકી ઊઠે છે, પણ એ પ્રકાશિત રજકણ અન્યને પ્રકાશિત કરી શકતી નથી.
એક જ પક્ષમાં ચૂંટાયેલા મુસ્લિમોમાં હરિફાઈ હોય છે એકતા નથી હોતી. તદ્‌ઉપરાંત મુસ્લિમોનો રાષ્ટ્રીય કક્ષાનો કોઈ પક્ષ નથી, ભલે કોઈ એક પક્ષની આગળ “અખિલ ભારતીય કે “All India’’ જેવા અર્થહિન શુભાષિતો હોય. આવા અખિલ ભારતીય મુસ્લિમ પક્ષનું અસ્તિત્વ કોઈ એક રાજ્યના બે કે ત્રણ મુખ્ય શહેરો સુધી મર્યાદિત હોય છે, જેમ કે ગુજરાતમાં અહમદાબાદ, સુરત અને બરોડા બસ. સૌરાષ્ટ્રના કોઈ શહેરમાં એની શાખા સામાન્ય રીતે હોતી નથી. આવા પક્ષની સભ્ય સંખ્યા આખા રાજ્યમાં માંડ સો બસો જેટલી હોય છે. આ સભ્યો પણ મોટાભાગે નિષ્ક્રિય હોય છે. દિલ્હીમાં બેઠેલ કોઈ એક સામાન્ય વ્યક્તિ જે નક્કી કરે તે ખરું. ટ્રમ્પ અને ઓબામાની આસપાસ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની એક ટીમ હોય છે, આપણે ત્યાં એક વ્યક્તિ એકલા હાથે જ બધું સંભાળે છે. પ્રાદેશિક શાખા પાસે કોઈ initiative નથી હોતું પદાધિકારીઓના ઈલેક્શનમાં કોઈ રસાકસી હોતી નથી હોદ્દાઓ સર્વસંમતિથી નક્કી થઈ જાય છે. એમની પાસે રાજ્ય વ્યાપી કોઈ infra structure નથી. સામાન્ય મુસ્લિમની મનોદશા એ છે કે, ગાલિબ કહે છે તેમ ,
ચલતા હૂં ચાર ગામ હર એક તેજ રવ કે સાથ
પહેચાનતા નહીં હૂં અભી રહબર કો મૈં
ભાજપ અને આર.એસ.એસ. ની ઓફિસો અને સભ્યો ગામે ગામ પ્રવૃત્ત છે. આર.એસ.એસ.ની લગભગ ૪પ ભગિની સંસ્થાઓ આખા દેશમાં કાર્યરત છે. એ સૌ એક લક્ષ્ય સિદ્ધ કરવા મથે છે. જેમ કે સ્વદેશી જાગરણ મંચ ભાજપા કે આર.એસ.એસ.ની એક સંસ્થા છે જે દેશના આર્થિક પાસા ઉપર નજર રાખે છે. એણે હાલ ભારત અને ચીન વચ્ચે અસંતુલિત વાણિજ્યિક સંબંધો ઉપર વ્યવસ્થિત રીતે વિરોધ શરૂ કર્યો છે. ચીની ઉત્પાદનોની યાદી બહાર પાડી છે વગેરે વગેરે. થોડા દિવસો પહેલાં આપણા આગેવાનોએ યહુદી માલના બાયકોટની અપીલ કરી હતી. એમની વાત સાચી, એમનું દર્દ સ્વીકાર્ય, પણ યહુદી માલની યાદી તો કોઈએ બહાર ના પાડી કદાચ અપીલ કરનારાઓને પણ ખબર નહીં હોય. આપણી કામ કરવાની આ જરી પૂરાણી પદ્ધતિ છે. દેશમાં ખ્રિસ્તી બિરાદરોની ત્રણ હજાર શૈક્ષણિક સંસ્થાઓ કામ કરે છે. એમની વચ્ચે સમન્વય છે. એક જ શહેરની મુસ્લિમ શાળાઓ કે મદ્રેસાઓમાં સમન્વય તો દૂરની વાત છે, સુમેળભર્યા સંબંધ પણ નથી હોતા. કોઈ એક મુસ્લિમ પક્ષ, સંસ્થા કે નાની મોટી association બને અને થોડા જ વખતમાં એના ફાંટા ન પડે, એમાં વિખવાદ ના જન્મે એવું હજુ સુધી બન્યું નથી. છેલ્લા ૮૦ વરસથી આણંદમાંથી ખ્રિસ્તી બિરાદરોના સમાજ માટે એક મેગેઝિન છપાય છે. મારા એક ખ્રિસ્તી મિત્ર એના સંપાદક બન્યા તો ખબર પડી. વિધાનસભા છેલ્લા ૧૮૦ વર્ષથી એક standard માસિક ગુજરાતીમાં પ્રસિદ્ધ કરે છે. આપણે ત્યાં જમિયતે ઉલમાનું ઉર્દૂ દૈનિક ‘અલ-જમિયત’ની શી દશા થઈ ? કારણ ? કૂસંપ. એવા તો ઘણા બધા સામયિકો અને દૈનિકો બંધ થઈ ગયા. કારણ ? આપણે ખરીદતા જ નથી, વાંચતા જ નથી. મુસ્લિમોના નામે છપાતા કોઈ પણ પ્રકાશનનું સરક્યુલેશન કેટલું ? ઉર્દૂમાં કહીએે તો “કૂતે લા યમૂત : જેટલું અને એની સામે મુસ્લિમોની સંખ્યા કેટલી ? આપણને એક કોમ તરીકે જીવતાં જ નથી આવડતું.
ભાજપા પાસે આર્થિક, સામાજિક બેંકિંગ, નાણાકીય, રાજકીય વગેરે વિષયો ઉપર અભ્યાસ પૂર્ણ લેખો લખનારા વિદ્વાનો છે સામ્યવાદી અને અન્ય પક્ષો પાસે અસરકારક અંગ્રેજીમાં પોતાનો મંતવ્ય રજૂ કરી શકે એવા માણસો છે. દા.ત. આપણી પાસે નોટબંધી ઉપર તેની ટેકનિકલ સાઈડને ધ્યાનમાં રાખીને facts and figure સાથે બોલનારા અને લખનારાઓનો અભાવ છે. આપણા નેતાઓ દીની વિષયો ઉપર ચીલાચાલુ તકરીર કરતા ફરે છે.
બિહારમાં, ભાજપા વિરૂદ્ધ મહાગઠબંધન સાકાર થઈ તો લાલુ પ્રસાદ, શરદ યાદવ અને બીજા પક્ષોના નેતાઓ એક મંચ ઉપર ભેગા થયા અને એક સર્વમાન્ય પ્રોગ્રામ બહાર પાડ્યો જનતાને એક થવાની અપીલ કરી. જ્યારે આપણા નેતાઓ એક મંચ ઉપર જમા થતા નથી અને પોત પોતાના મંચ ઉપરથી કોમી ઈત્તેહાદની વાતો કરે છે અને મુસ્લિમોને એક થવા અપીલો કરે છે.
જો આજ રફ્તાર રહી તો જેમ ચકલીઓ લુપ્ત થઈ ગઈ તેમ આપણે રાજકીય ફલક ઉપરથી થોડા સમયમાં લુપ્ત થઈ જઈશું. આપણે પણ રાજકીય દૃષ્ટિએ એક લુપ્ત થતી જતી કોમ છીએ. જોઈએ આપણે ડિસેમ્બરના ઈલેક્શનમાં શું ઉકાળીએ છીએ. અત્યાર સુધી તો બહાદુર શાહ ઝફરના ઉસ્તાદ ઈબ્રાહીમ ઝોક કહે છે તેમ
કમ હોંગે ઈસ બિસાત પર હમ જેસે બદ કિમાર
જો ચલ હમ ચલે વહ નિહાયત બુરી ચલે.