(એજન્સી) શાહગંજ, તા. ૧૦
ઉત્તર પ્રદેશના જૌનપુરના અશરફપુર ગામમાં પ્રતિબંધિત પ્રાણીઓના ચામડા મળી આવ્યા છે. ગામના ભૂતપૂર્વ સરપંચ ફરિયાદ કર્યા બાદ ૬ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને બે જણાની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તનાવ સર્જાયો છે અને મુસ્લિમો ગામ છોડીને સલામત સ્થળે જવા મજબૂર થયા છે. સૂત્રોએ જણાવ્યું કે, બીજી જુલાઇએ ગામથી ૪ કિલોમીટર દૂર પ્રતિબંધિત પ્રાણીનું ચામડું મળી આવ્યું હતું. ચામડું મળ્યા બાદ હિન્દુ સંગઠનોના સભ્યો ગામમાં પહોંચી ગયા હતા અને કુરેશી સમુદાયના કેટલાક મુસ્લિમો પર શંકા વ્યક્ત કરીને ગામના ભૂતપૂર્વ સરપંચના નેતૃત્વમાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગામમાં રહેતા મુસ્લિમોને ડરાવવા માટે હિન્દુ સંગઠનોના સભ્યો ગામમાં પહોંચી રહ્યા હોવાથી ગામના મુસ્લિમોમાં ભય ફેલાયો છે. ગામમાં ભયને પગલે ગામના મુસ્લિમોને હિજરત કરવાની ફરજ પડી છે.