(એજન્સી) કોલંબો, તા.૨૬
પશ્ચિમ શ્રીલંકામાં સેંકડો મુસ્લિમ શરણાર્થીઓએ મસ્જિદો અને એક પોલીસ સ્ટેશનમાં આશ્રય લીધો છે. ઇસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં માર્યા ગયેલા ્‌૩૫૯ લોકોમાં ૧૦૦થી વધુ ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. આ હુમલાને દેશના નેતાઓ અને મુસ્લિમ લઘુમતીઓએ વખોડી કાઢ્યા છે પરંતુ મુસ્લિમ સમુદાય પ્રતિહિંસાના ડરથી ઘર છોડી રહ્યો છે. કોલંબોના ઉત્તરમાં આવેલા નેગોમ્બોમાં રહેતા પાકિસ્તાની શરણાર્થીઓને સ્થાનિક લોકોએ નિશાન બનાવ્યા છે. તેમના પર હિંસક હુમલા કરવામાં આવ્યા હોવાથી બુધવારે હજારો શરણાર્થી સમુદાયના નેતાઓ દ્વારા આયોજિત બસોમાં નેગોમ્બોથી ભાગવા માટે મજબૂર થયા હતા. બુધવારે સામૂહિક અંતિમવિધિમાં ભાગ લીધા બાદ એક હિંસક ટોળા દ્વારા પાકિસ્તાની શરણાર્થીઓના ઘરો પર હુમલા કરવામાં આવ્યા હતા. ટોળાએ પુરૂષોને તેમના ઘરોમાંથી ખેંચીને બહાર કાઢ્યા હતા અને તેમને માર માર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે પોતાના દેશોમાં પજવણીને કારણે દેશ છોડ્યા બાદ નેગોમ્બોમાં વસેલા અહમદી મુસ્લિમોને જમીનદારો દ્વારા તેમના ઘરોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આજે આ શરણાર્થી ફરીથી શ્રીલંકામાં શરણાર્થી બની ગયા છે. તેઓ બીજી વખત વિસ્થાપિત થયા છે. શ્રીલંકન માનવાધિકાર સંગઠનના રૂકી ફર્નાન્ડોએ એવી માહિતી આપી છે કે આ મુસ્લિમ શરણાર્થીઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન અને યમનના છે. અહમદી સમુદાયે આ દેશોમાં કટ્ટર ઇસ્લામી સંગઠનો દ્વારા વારંવાર હુમલાનો સામનો કર્યો છે. કટ્ટરવાદી મુસ્લિમો અહમદી સમુદાયને મુસ્લિમ માનતા નથી. ફર્નાન્ડોએ જણાવ્યું કે ઘરના માલિકોએ શરણાર્થીઓને ઘરોમાંથી કાઢી મુક્યા છે કારણ કે તેમને એવી આશંકા હતી કે શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો બદલો લેવા માગતા સંગઠનો દ્વારા તેમની સંપત્તિઓને નિશાન બનાવવામાં આવશે. ફર્નાન્ડોએ પત્રકારોને જણાવ્યું કે અન્ય ઘણા લોકો પોતાની સુરક્ષાના ભયને કારણે પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. કેટલાક અજ્ઞાત લોકો નેગોમ્બોમાં તેમના ઘરોમાં ઘૂસી ગયા હતા અને તેમને માર માર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આશરે ૭૦૦ શરણાર્થીઓએ નેગોમ્બોની મસ્જિદમાં આશ્રય લીધો છે. શહેરના સાંપ્રદાયિક સોહાર્દને પ્રોત્સાહન આપવાની કોશિશ કરનાર સંગઠન નેગોમ્બો સિટીઝની એકતાના હરમન કુમારે જણાવ્યું કે લગભગ ૧૨૦ મુસ્લિમ શરણાર્થીએ એક પોલીસ સ્ટેશનમાં આશ્રય લીધો છે. બુધવારે ડઝન્સ લોકો નેગોમ્બો છોડવા માટે બસોમાં સવાર થઇ ગયા હતા. લોકો ભારે ભયભીત છે.

શ્રીલંકામાં વોન્ટેડ આતંકી હાશિમ હોટલના હુમલામાં માર્યો ગયો

(એજન્સી) કોલંબો, તા. ૨૬
શ્રીલંકાના વિસ્ફોટોમાં કુખ્યાત ભૂમિકા ભજવનાર વોન્ટેડ આંતકી હાશિમ કોલંબોની એક હોટલ પર કરવામાં આવેલા હુમલામાં માર્યો ગયો હોવાની શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ પુષ્ટિ કરી છે. સિરિસેનાએ પત્રકારોને જણાવ્યું કે ગુપ્તચર એજન્સીઓએ મને એવી માહિતી આપી છે કે હોટલ શાંગરિ-લા પર કરવામાં આવેલા હુમલા દરમિયાન ઝહરાન હાશિમ માર્યો ગયો છે. હાશિમ સ્થાનિક આતંકી સંગઠનનો નેતા હતો. વિસ્ફોટોની જવાબદારી સ્વીકાર્યા બાદ દાએશ ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં હાશિમ દેખાયો હતો પરંતુ બ્લાસ્ટ પછી હાશિમ ક્યાં છે ? તેના વિશે તાકીદે કશું જ સ્પષ્ટ થયું નથી. શાંગરિ-લા હોટલ પર હુમલામાં હાશિમની શું ભૂમિકા હતી, તેના વિશે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કોઇ ખુલાસો કર્યો નથી. દરમિયાન, શ્રીલંકાના ટોચના પોલીસ અધિકારી ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ પુજિત જયસુંદરાએ તેમના હોદ્દાએથી રાજીનામું આપી દીધું છે. ઇસ્ટરના પ્રસંગે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અંગે ગુપ્તચર નિષ્ફળતા બદલ તેમણે રાજીનામું આપ્યું છે.