નવી દિલ્હી, તા. ૧૯
દેશમાં કૃષિ સંકટને મજબૂતી સાથે ઉઠાવતા રાજ્યસભામાં વિપક્ષે સરકાર પર હલ્લાબોલ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો પાકને તદ્દન નીચલા ભાવે નુકસાન સાથે વેચવા મજબૂર બન્યા છે. કેટલાકસભ્યોએ તો નિયમ ૨૬૭ હેઠળ આ મુદ્દાને ચર્ચવા માટે સભા મોકૂફીની નોટિસ આપી હતી. ઉપસભાપતિ પી.જે. કુરિયને જણાવ્યું કે, આ મુદ્દે ચર્ચાને મંજૂર કરાય છે અને ચર્ચા દરમિયાન સભ્યો પોતના મુદ્દા ઉઠાવી શકે છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે ટોળ દ્વારા હિંસાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આજે જે રીતે મુસ્લિમોની સતામણી થઇ રહી છે તેવી મધ્યકાળમાં અને બ્રિટિશ રાજમાં થતી હતી. વલ્લભગઢમાં ઇદ માટે સામાન ખરીદવા ગયેલા જુનૈદની હત્યા કરી દેવામાં આવી પરંતુ ટ્રેનમાં એક વ્યક્તિ તેને બચાવવા માટે આગળ આવી નહીં. આપણે આપણા દેશમાં કર્તવ્યનું પાલન નથી કરી રહ્યા, લોકો સામે રહેંસી નાખવાની ઘટનાઓ બની રહી છે પરંતુ કોઇ બચાવવા માટે આગળ આવતું નથી. દરમિયાન સરકાર તરફથી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, વિપક્ષ ટોળા દ્વારા હિંસાને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ ન કરે.વિપક્ષે ટોળા દ્વારા હત્યા, ચીન સાથેની મડાગાંઠ, ખેડૂતોની આત્મહત્યા, અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો, વિપક્ષના નેતાઓની હેરાનગતિ કરવા ઝ્રમ્ૈં, ઈડ્ઢનો ઉપયોગ અને ય્જી્‌ના વિરોધના મુદ્દા ઉઠાવ્યા હતા.
ગુલામનબી આઝાદે જુનૈદ સાથે વૃદ્ધને મંદિરમાં ન જવા દેવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. આઝાદે કહ્યું કે, હું આ મુદ્દે ફક્ત સરકારને ટાર્ગેટ જ કરતો નથી પરંતુ આવા ઘણા મુદ્દા સામે આવ્યા છે કે, ઘટનાઓમાં કઇ પાર્ટીનો હાથ છે. ઝારખંડમાં ટોળા દ્વારા હિંસાના ઘણા મામલા સામે આવ્યા છે. પાછલા વર્ષે પશુઓ લઇ જઇ રહેલા બે વ્યક્તિઓને ગૌરક્ષકોએ ઝાડ સાથે લટકાવી દીધા હતા. ગુલામનબી આઝાદે જણાવ્યું કે, વોટ્‌સએપના એક મેસેજને લઇને પણ લોકોની ધરપકડ કરવામાં આવે છે આ રીતે કાર્યવાહી થશે તો એક દિવસ અમે બધા જેલમાં હોઇશું. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, વોટ્‌સએપ પર તમારી પાર્ટી ઘણા મેેસેજ ફેલાવે છે. ઝારખંડમાં તમારા પરિવારના લોકોએ મસ્જિદમાં ઘુસીને લોકો પર અત્યાચાર કર્યો. જોકે, હું તમારા પરિવારનું નામ લેવા માગતો નથી નહીં તો નાહકનો હંગામો થઇ જશે.
ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા જેડીયુના શરદ યાદવે જણાવ્યું હતું કે, દરરોજ ૧૫-૨૦ ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બને છે. તેમણે જણાવ્યંુ હતું કે, કૃષિ ઉત્પાદનમાં ૩૩ ટકાનો વધારો થયો છે પરંતુ સરકારે આયાત જકાત ઘટાડી શૂન્ય કરી દેતા ખેડૂતો સસ્તા ભાવે પોતાનું અનાજ વેચવા મજબૂર બન્યા છે. આ દરમિયાન દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, ખેડૂતોને અનાજના ભાવોને બદલે ગોળીઓ આપવામાં આવે છે. જદયુના શરદ યાદવ, કોંગ્રેસના પ્રમોદ તિવારી, સપાના નરેશ અગ્રવાલ, સપાના રામગોપાલ યાદવ, કોંગ્રેસના કપિલ સિબ્બલ અને સીપીએમના સીતારામ યેચૂરી દ્વારા નોટિસ અપાયા બાદ ઉપસભાપતિ કુરિયને આ મુદ્દે ચર્ચાનો સમય ફાળવ્યો હતો.
આ દરમિયાન જેડીયુના અનવલ અન્સારીએ ગટર સફાઇનો મુદ્દો ઉઠાવી કહ્યું હતું કે, સરકારે આ કામમાં માનવીને ઉતારવાની બાબતને ગેરકાયદે ગણાવી હોવા છતાં આ કામ ચાલુ છે. તેમણે કહ્યું કે, સફાઇ દરમિયાન રાષ્ટ્રીય પાટનગરમાં જ ચાર મજુરોના ટોક્સિક ગેસને કારણે મોત થયા છે. આ ચારેય દલિત હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં આ કામમાં ૨૫૦૦ જેટલા દલિતોએ જીવ ગુમાવ્યો છે પરંતુ અત્યારસુધી કોઇ કેસ પણ નોંધાયો નથી કે, વળતર પણ અપાયું નથી. તેમણે સવાલ કર્યો કે, આપણી સરકાર ચંદ્ર પર જવાની વાતો કરે છે જ્યારે સફાઇ કામદારોને પૂરતા સાધનો પણ પૂરા પડાતા નથી. આપણી સંવેદના મરી ગઇ છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે હિંદુ દેવતાઓને આલ્કોહોલ સાથે સાંકળ્યા, હોબાળા બાદ માફી માગી

સપા નેતા નરેશ અગ્રવાલે રાજ્યસભામાં હિંદુ દેવીદેવતાઓ અંગે આપેલા નિવેદનથી ભારે હોબાળો મચી ગયો હતો. નરેશ અગ્રવાલે રાજ્યસભામાં કહ્યું હતું કે, ‘વિસ્કી મેં વિષ્ણુ બસે, રમ મેં શ્રી રામ, જિન મેં માતા જાનકી ઓર ઠર્રે મેં હનુમાન’ તેમના નિવેદન બાદ રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો. જોકે, હોબાળા બાદ તેમણે ખેદ વ્યકત કરતા કહ્યું કે સીતા રામ અંગે મારૂ નિવેદન નથી પરંતુ મેં તો દિવાલ પર લખેલું વાંચ્યું હતું. બાદમાં નરેશ અગ્રવાલના નિવેદનને કાર્યવાહીમાંથી હટાવી દેવાયું હતું. જોકે, અગ્રવાલનું નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ઘણા લોકોએ હિંદુ દેવી દેવતાઓના અપમાન બદલ તેમની આકરી ટીકા કરી હતી. કેટલાકે તો તેમને જેલમા મોકલી દેવાની માગણી કરી હતી.
ઝારખંડ ટોળા દ્વારા હિંસાનો અખાડો બની
ગયું છે : સંસદમાં ગુલામનબી આઝાદ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે રાજ્યસભામાં ગૌરક્ષકોની ગુંડાગીરી અને કાશ્મીર મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશભરમાં બલગામ બનેલા ગૌરક્ષકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. તેમણે ઇંગ્લેન્ડની વંશિય ઘટનાનું ઉદાહરણ પણ આપ્યું હતું.કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા આઝાદે કહ્યું કે, અહીં નવી-નવી સરકાર બની હતીત્યારે અહીં પોલીસે બે નાગરિકોને ગોળી મારી દીધી હતી જેમાં એકનું મોત થઇ ગયું હતું પરંતુ એસએચઓને ફક્ત એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવાયો હતો. મોહંમદ અય્યુબ પંડિતની હત્યા શરમજનક બાબત છે અને અમે તેની નિંદા કરીએ છીએ. મહારાષ્ટ્રમાં પણ એક મુસ્લિમ ટોપી પહેરેલી વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવાઇ હતી. આજે દેશમા જેટલી પણ ટોળા હિંસાની ઘટનાઓ બને છે તેમાં સત્તાધારી પક્ષ અને સંઘ પરિવારના સભ્યો સંડોવાયેલા છે. વડાપ્રધાને આ અંગે નિવેદન આપ્યું છે પરંતુ સરકારે કદાચ એમ વિચારી રાખ્યું છે કે, અમે નિવેદન આપતા રહીશું પણ તમે તમારૂ કામ ચાલુ રાખો. દેશ બધાનો છે પરંતુ સૌથી વધુ જવાબદારી સરકારની છે અને સરકાર પોતે જ દેશનું માહોલ બગાડી રહી છે. આ લડાઇ કોેઇ એક ધર્મની નથી પરંતુ હિંદુ-મુસ્લિમની છે. આ માનવતાની લડાઇ છે. અમે મુસ્લિમ હોવા છતાં કાશ્મીરમાં લડી રહ્યા છીએ. કાશ્મીરમાં બે મુસ્લિમ પક્ષો સામ-સામે છે, દેશને આ રીતે મતોના આધારે તોડવો જોઇએ
નહીં.
ટોળા દ્વારા હિંસા માટે અલગ
કાયદો નહીં : લોકસભામાં સરકાર

ગાયની સુરક્ષાના નામે દેશમાં થઇ રહેલી હત્યાઓનો મુદ્દો આજે રાજ્યસભામાં ગાજ્યો હતો જેમાં વિપક્ષે ભારે હંગામો કરતા સરકારે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓને પહોંચી વળવા માટે રાજ્ય સરકારો પાસે તમામ સત્તાઓ છે અને હાલ પ્રવર્તી રહેલા કાયદામાં સુધારાની કોઇ જરૂર નથી. સમાજવાદી પાર્ટીના સભ્યો દ્વારા ટોળાની હિંસાને રોકવા માટે કેન્દ્ર સરકારે કયા પગલાં લીધા છે તેવી માગ સાથે વેલમાં ધસી આવ્યા હતા. આના કારણે રાજ્યસભાની કાર્યવાહી શૂન્યકાળ સમયે ૧૦ મિનિટ સુધી સ્થગિત કરવી પડી હતી બાદમાં અધ્યક્ષ હામિદ અન્સારીએ અન્ય સભ્યોને તેમના સવાલ ઉઠાવવા જણાવ્યું હતું.ગૃહ બાબતોના રાજ્યમંત્રી હંસરાજ ગંગારામ આહિરે જણાવ્યું કે, આવી ઘટનાઓને પહોેચી વળવા માટે રાજ્ય સરકારો પાસે સત્તા છે જ્યારે સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલના આવી ઘટનાઓ પાછળ ભાજપના લોકો હોવાના દાવાને ફગાવી દીધો હતો. આહિરે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓમાં સંડોવાયેલાઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા રાજ્યોને સૂચના આપી દેવાઇ છે.વડાપ્રધાને પણ ગાયની સુરક્ષાના નામે હત્યાઓને સાંખી નહીં લેવાની વાત કરી છે. જ્યારે દિગ્વિજયસિંહે આવી ઘટનાઓને રોકવા માટે સરકાર કોઇ નવો કાયદો લાવી રહી હોવાનું પૂછતા આહિરે જણાવ્યું કે, મારા મતે આ કાયદામાં ફેરફાર કરવાની કોઇ જરૂર નથી.