(એજન્સી) રાંચી, તા.ર૮
શુક્રવાર સાંજે ઝારખંડના કોડરમાં જિલ્લામાં ટોળાએ સાંજે ઈફતારના સમયે કેટલાક મુસ્લિમ પરિવારો પર હુમલો કર્યો હતો અને મહિલાઓ સહિત અન્યોની સતામણી કરી હતી. તેના પરિણામ રૂપે ર૦ જેટલા મુસ્લિમ પરિવારોને રાતોરાત ઘર છોડી જવાની ફરજ પડી હતી. આ ટોળાએ મસ્જિદમાં પણ તોડફોડ કરી હતી અને મગરીબની નમાઝ પઢી રહેલા લોકો પર પણ હુમલો કર્યો હતો. આ જ પ્રકારનો હુમલો ગત વર્ષે એપ્રિલમાં પણ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક હિન્દુઓ ગામમાં મસ્જિદના બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. તેમજ મુસ્લિમો પર દબાણ નાખી રહ્યા છે કે અગાઉ તેમના પર થયેલા હુમલાની પોલીસ ફરિયાદો પરત ખેંચે. ગત વર્ષે મુસ્લિમોને પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા બાદથી તેમનો બહિષ્કાર થઈ રહ્યો છે. તેમને ગામમાંથી ખરીદી કરવા દેવામાં નથી આવી રહી તેમજ જાહેર કૂવાનો ઉપયોગ પણ નથી કરવા દેવામાં આવી રહ્યો. શુક્રવાર સાંજના બનાવ પછી મુસ્લિમોએ અન્ય એક ફરિયાદ નોંધાવી છે. તેમાં તેમણે જણાવ્યું કે હુમલાખોરો તલવારો, કુહાડીઓ અને લાઠીઓ લઈને આવ્યા હતા. સો જેટલા લોકોનું ટોળુ મસ્જિદમાં દાખલ થયું અને ઈફતાર કરી રહેલા મુસ્લિમો પર હુમલો કર્યો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. તેમને સદર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે ટોળાએ મસ્જિદને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ પવિત્ર કુર્આનની નકલો બાળી મૂકી હતી. તેમણે મુસ્લિમોને ગામ છોડી જવા ધમકી આપી હતી કે જો તેઓ નહીં જાય તો તેમાના દરેકની હત્યા કરવામાં આવશે. ભયભીત પરિવારો રાતોરાત ગામ છોડીને ૮ કિલોમીટર દૂર જિલ્લા કલેકટરની ઓફિસમાં આશ્રય લીધો છે.