(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
સરકારી સહાય લેતી એજન્સી દ્વારા રચવામાં આવેલી એક પેનલે એવું કહ્યું કે મુસ્લિમો શૈક્ષણિક રીતે સૌથી વંચિત લઘુમતી સમુદાય છે. મુસ્લિમોને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે સરકારી રિપોર્ટમાં ત્રણ સ્તરીય ઉપાયોનું સૂચન કરવામાં આવ્યું છે. આ પેનલે એવી ભલામણ કરી કે કેન્દ્રીય, શાળા, સામુદાયિક કોલેજો અને રાષ્ટ્રીય સંસ્થાનો એવા ત્રણ પ્રકારના સંસ્થાકીય મોડલની રચના કરવામાં આવે. તેમાં ૨૧૧ શાળાઓ, ૨૫ સામુદાયિક કોલેજો અને પાંચ રાષ્ટ્રીય સ્તરના સંસ્થાઓની રચના કરીને પ્રાથમિક, માધ્યમિક સ્તરે શિક્ષણની ભરપૂર તકો આપવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એવું કહ્યું કે લઘુમતી સમુદાયને શૈક્ષણિક રીતે પગભર બનાવવા માટે સરકારી ઝૂંબેશની સાથે આ સૂચનો સસંગત છે. તેમણે ઉમેર્યું કે અમે હાલમાં આ રિપોર્ટની સમીક્ષા કરી રહ્યા છીએ. જે પછી તેના અમલીકરણ પર વિચારણા કરવામાં આવશે. કમિટીએ તેના રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે ભારતમાં લઘુમતી સમુદાયમાં શૈક્ષણિક રીતે સૌથી વધારે વંચિત સમુદાય મુસ્લિમ છે. મુસ્લિમ સમુદાય સાક્ષરતા, નોંધણી તથા, પ્રાથમિક, માધ્યમિક શિક્ષણને સારી રીતે પાર પાડવામાં પાછળ ચાલી રહ્યો છે. ૨૦૧૧ની જનગણનાના ડેટા અનુસાર, રાષ્ટ્રીય ૭૨.૯૮ ટકાની તુલનાએ મુસ્લિમોમાં સાક્ષરતા દર ૬૮.૫૩ ટકા જેટલો હતો. કમિટીએ તેના રિપોર્ટમાં કહ્યું કે આ સમસ્યાના ઉપાય માટે અમે ત્રણ મુદ્દાની ભલામણ કરીએ છીએ. લઘુમતી સમુદાયની શૈક્ષણિક પછાતતાની સાથે કામ પાર પાડવામાં ખૂબ હકારાત્મક અને સેલ્યુટરી અસર પડવી જોઈએ અને તેમને તેમના બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનું સમજવાનું જ્યાં તેમને રાષ્ટ્રકાજે વિકાસ કરવામાં પોતાના યોગદાન બદલ ગૌરવની લાગણી થતી હોય. કમિટીએ યુનિવર્સિટી સિસ્ટમ અને આઈઆઈટી તેમજ આઈઆઈએમથી તદ્દન ભિન્ન રીતે રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું સૂચન કર્યું છે. ડિસેમ્બરમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને અફઝલ અમાનુલ્લાહની આગેવાનીવાળી એક કમિટીની રચના કરવામાં આવી. લઘુમતી સમુદાયના શૈક્ષણિક સશક્તિકરણ માટે વિસ્તૃત રૂપરેખા ઘડવાના ઉદ્દેશથી આ કમિટીની રચના કરવામાં આવી હતી. દરેક શાળાનો ખર્ચ ૨૦ કરોડનો આંકવામા આવ્યો અને વાર્ષિક સંચાલન ખર્ચ ૩ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. લઘુમતી સમુદાયના બાળકો માટે વ્યાજબી અને ગુણવત્તાસભરના શાળાકીય શિક્ષણના અભાવની વાતને ધ્યાનમાં લેતા લઘુમતી સમૂદાય દ્વારા રચવામાં આવેલી એક પેનલે લઘુમતી કેન્દ્રિત વિસ્તારોમાં કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયના ધોરણે ૨૧૧ કેન્દ્રીય શાળાઓ શરૂ કરવાની દરખાસ્ત કરી હતી. એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે આવી શાળાનો સમય સવારના ૯.૩૦ ની આસપાસ રાખી શકાય કારણ કે જો શાળાનો સમય વહેલી સવારનો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સ્કૂલ જતાં પહેલા મદ્રસા કે પાઠશાળામાં જવાનો સમય મળી રહે.