(એજન્સી)
તા.૩૧
નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્‌સ ઓર્ગેનાઈઝેશન દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક ર૦ વર્ષીય યુવક અને એક પોલીસ અધિકારીનો ભોગ લેનાર બુલંદશહેર હિંસા એ મુસ્લિમ સમુદાયમાં ભય ઉત્પન્ન કરવાનો એક ઈરાદાપૂર્વકનો પ્રયત્ન હતો. માનવ અધિકાર સંગઠનોના આ સંઘે માગણી કરી હતી કે, સુપ્રીમ કોર્ટ આ હિંસાની તપાસ કરે. બુલંદશહેર જઈ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટને રજૂ કરનાર આ સંગઠનના સભ્યએ દાવો કર્યો હતો કે, પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતદારોનું ધ્રુવીકરણ કરવા હિન્દુત્વવાદી તત્ત્વોએ આ હિંસાનું ષડયંત્ર રચ્યું હતું. આ સંગઠને માગણી કરી હતી કે, નફરતના કારણે થતા ગુનાઓને રોકવા માટે નવો કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત આ માગણી પર કરવામાં આવી હતી કે, ગૌરક્ષાના નામે ફૂટી નીકળેલી બધી સેનાઓ અને સંગઠનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે કારણ કે તેઓ ગૌરક્ષા માટે હથિયારોનો ઉપયોગ કરે છે. આ સંગઠનના સભ્યોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, બજરંગ દળ અને ભાજપ યુવા મોરચાના નેતાઓ યોગેશ રાજ અને શિખર અડવાલની ઉશ્કેરણીના કારણે ચિંગરાવાથી પોલીસ ચોકી ખાતે ટોળું એકત્ર થયું હતું અને ત્યાં ટોળાઅ. વાહનોને આગ ચાંપી, ગોળીબાર કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમના સભ્ય મનોજસિંઘે કહ્યું હતું કે, ઈન્સ્પેક્ટરની હત્યાના વીડિયો પરથી આ સ્પષ્ટ સંકેત મળે છે કે, ટોળાને રાજકીય સંરક્ષણ મળ્યો હતો.