(એજન્સી) તા.૧૬
પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે થયેલા દલિત-મુસ્લિમ ગઠબંધન પછી શિવસેના ‘મરાઠી’ શબ્દ હેઠળ મુસ્લિમોને સંગઠિત કરવાનો પ્રયાસ કરી રહી છેે. રવિવારે વાયરલ થયેલા એક વીડિયોમાં બીદ જિલ્લાનો શિવસેના ક્રાર્યકર નસીબ શેખ પાર્ટીની દશેરા રેલીમાં મુસ્લિમોને હાજર રહેવા માટે અપીલ કરતો નજરે પડે છે. તે શિવસેના માટે મી ‘મરાઠી મુસલમાન’ (હું મરાઠી મુસ્લિમ) અભિયાનનું નેતૃત્વ કરી રહ્યો છે. શિવસેના છેલ્લા કેટલાક વર્ષોથી મુસ્લિમ મતોને લક્ષ્યાંક બનાવી રહી છે. ર૦૧૭માં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાએ મુસ્લિમ ઉમેદવારોને ઊભા રાખ્યા હતા અને ઉર્દૂમાં પ્રચાર સામગ્રી પણ છપાવી હતી. ભૂતકાળમાં પણ તેણે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે જોડાણ કર્યું હતું. પરંતુ દશેરા રેલીમાં મુસ્લિમોને આમંત્રિત કરવા આ પ્રકારની અપીલ પહેલાં ક્યારેય કરવામાં આવી ન હતી.