(એજન્સી) ઇસ્તંબૂલ, તા. ૨૭
તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈય્યિપ (રજબ તૈયબ) એર્દોગને રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ શાનદાર જીત હાંસલ કરી લીધી છે. એર્દોગનની ઐતિહાસિક જીતથી ફક્ત તુર્કી જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના મોટાભાગના દેશોએ પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરી છે. સૌથી વધુ ખુશી મુસ્લિમ દેશોમાં થઇ છે અને તેની ઉજવણી પણ શાનદાર રીતે કરવામાં આવી છે. જેનું કારણ સ્પષ્ટ છે કે, એર્દોગન સમયે-સમયે મુસ્લિમ જગત સાથે ખભેથી ખભા મિલાવી ઉભેલા દેખાયા છે.
વિશ્વભરમાંથી મળતા અહેવાલો અનુસાર એર્દોગન જેટલા મજબૂત થશે તેટલો જ દુનિયામાં મુસ્લિમોનો અવાજ બુલંદ થશે. એર્દોગન મુસ્લિમોના હકમાં હરહંમેશ ઉભેલા દેખાયા છે તેમાં કોઇ શંકા નથી. પેલેસ્ટીન મુદ્દે એર્દોગન હંમેશા ઇઝરાયેલ અને અમેરિકાને ચેતવણી આપતા રહે છે અને પોતાનું સંપૂર્ણ સમર્થન પેલેસ્ટીનને આપી રહ્યા છે. એર્દોગનની આ બધી બાબતોએ તેમને ફક્ત તુર્કી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મુસ્લિમોએ લીડર જાહેર કરી દીધા છે. આજે દુનિયાના તમામ મુસ્લિમ દેશોના એર્દોગન સાથે સારા સંબંધો છે. પાકિસ્તાનના ઉર્દૂ અખબાર જંગ અનુસાર એર્દોગન એક એવા નેતા તરીકે ઉભરી રહ્યા છે જેમને મુસ્લિમ જગતની સમસ્યા વિશે સંપૂર્ણ જાણકારી છે અને તેઓ આ બાબત સાથે જોડાયેલા પણ રહે છે તેથી તુર્કીની ચૂંટણી પર ફક્ત પાકિસ્તાન જેવા દેશોની નહીં પણ ખાસ કરીને સમગ્ર મુસ્લિમ જગતની નજર ટકી હતી. અખબારે લખ્યું છે કે, રાષ્ટ્રપતિ એર્દોગને પોતાના દેશને સૌથી ખરાબ આર્થિક તંગીમાંથી બહાર લાવવાની સાથે જ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસ પર પૂરૂં ધ્યાન આપ્યું છે. એર્દોગને પોતે ઐતિહાસિક જીત અંગે તુર્કીની જનતા સમક્ષ નિવેદન આપ્યું હતું. તુર્કીમાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી એકસાથે થઇ છે તેથી આ વખતે ચૂંટણીને ઐતિહાસિક માનવામાં આવી રહી હતી અને અંતિમ પરિણામ શુક્રવારે ઘોષિત કરવામાં આવશે.