(એજન્સી) ગુરૂગ્રામ, તા. ૩૦
દિલ્હીને અડીને આવેલા ગુરૂગ્રામમાં ખાલી પડેલા પ્લોટમાં નમાઝ પઢવાનો મામલો ફરી ગરમાઇ ગયો છે. કેટલાક મુસ્લિમોએ એવો આરોપ મુક્યો છે કે ૨૯મી જૂને શુક્રવારે કેટલાક મુસ્લિમોને ફેઝ-૩ના ખાલી પડેલા પ્લોટમાં જુમ્માની નમાઝ પઢવા દેવામાં ન આવી. મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે નમાઝ પઢવા માટે તેઓએ આ પ્લોટ ભાડે લીધો હતો. નેહરૂ યુવા સંગઠન વેલફેલ સોસાયટી ચેરિટેબલ ટ્રસ્ટના વાજિદખાને જણાવ્યું કે જુમ્માની નમાઝ પઢવા માટે અમને મોલસરી મેટ્રો સ્ટેશન પાસે જગ્યા આપવામાં આવી હતી પરંતુ ત્યાં પણ અવરોધો ઉભા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી અમે બીજા પાર્કમાં ગયા, આ પાર્કની માલિકી હરિયાણા શહેરી વિકાસ ઓથોરિટી પાસે હતી પરંતુ ત્યાં પણ સ્થાનિક લોકોએ અમારી નમાઝ પઢવાનો વિરોધ કર્યો. ત્યાર બાદ મુસ્લિમ સમાજના લોકોએ નાથુપુર ગામમાં નમાઝ પઢવા માટે એક જગ્યા ભાડે લીધી હતી પરંતુ આ સપ્તાહે તેમને બતાવવામાં આવ્યું કે હવે તેઓ આ સ્થળે નમાઝ પઢી શકશે નહીં. વાજિદખાને જણાવ્યું કે અમને જગ્યા ભાડે આપનાર વ્યક્તિએ બતાવ્યું કે ગામવાળાઓએ તેને ચેતવણી આપી છે કે તે નમાઝ પઢવા માટે જગ્યા આપવાનું બંધ કરે કે પછી તેને વિસ્તારથી દૂર અન્ય ક્યાંક જવું પડશે. ડીએલએફ ફેઝ-૩ના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મુદ્દા અંગે તેમને ફરિયાદ મળી હતી. એએસઆઇ નરેશ કુમારે કહ્યું કે અમને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એવા સ્થળોએ નમાઝ પઢવામાં આવી રહી છે જેને આ ઉદ્દેશ માટે આપવામાં આવ્યા નથી. આ વાતની તપાસ કરવામાં આવશે. બીજીબાજુ, મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ આરોપ મુક્યો છે કે સેક્ટર ૩૪માં તેઓ શુક્રવારે બપોરે નમાઝ પઢી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. જોકે, સદર પોલીસ સ્ટેશનના એસએચઓએ આ આરોપ ફગાવી દીધો છે. નોંધનીય છે કે ૨૦મી એપ્રિલે સેક્ટર ૫૩માં નમાઝ પઢી રહેલા મુસ્લિમો વચ્ચે જઇને ૬ હિન્દુઓએ અવરોધ ઉભો કર્યો હતો અને જય શ્રી રામ તેમ જ રાધે-રાધેના નારા લગાવ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં તેમને છોડી દીધા હતા. ત્યાર પછી ઘણા સંગઠનોએ મળીને સંયુક્ત હિન્દુ સંઘર્ષ સમિતિની રચના કરીને જણાવ્યું કે ખાલી પ્લોટમાં નમાઝ પઢવા સામે પ્રતિબંધ લાદવો જોઇએ. જોકે, આ લોકો શહેરમાં પાંચ સ્થળોએ ખાલી પ્લોટમાં નમાઝ પઢવા દેવા માટે રાજી થઇ ગયા હતા.