(એજન્સી) શ્રીનગર, તા. ૨૮
જમ્મુ કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા મુજફ્ફર બેગ હુસૈને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું હતું કે જો મુસલમાનોની લિચિંગ નહીં રોકાય તો દેશના ફરી ભાગલાં થઈ શકે છે. શ્રીનગરમાં પીડીપીની એક રેલીમાં બેગે કહ્યું હતું કે ગાય અને ભેંસના નામ પર મુસલમાનોની હત્યા બંધ કરી દો નહીંતર સારા પરિણામ આવશે નહીં. ૧૯૪૭માં એક ભાગલાં પડી ચૂક્યા છે. બેગે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુખ્તીની હાજરીમાં આ નિવેદન કર્યું હતું. બેગે આગળ કહ્યું હતું કે આ દેશના એક વખત ટુકડા થઈ ચૂક્યા છે. જો મુસલમાનોને પરેશાન કરવાનું બંધ નહીં કરે તો આ દેશના વધારે ટુકડા થઈ જશે. બેગે ગૌરક્ષાના નામ પર હમલો અને ભીડ દ્વારા માર-મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ પર આ નિવેદન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગૌરક્ષાના નામ પર દેશમાં ઘણા ભાગમાં ગૌરક્ષકોએ હુમલા કર્યા છે. ગત સપ્તાહે રાજસ્થાનના અલવરમાં અકબર ખાન નામના વ્યક્તિની ભીડ દ્વારા માર-મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તે પોતાના ગામ દૂધાળી ગાય લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ઉપર ભીડે હુમલો કર્યો હતો. રાજસ્થાન સિવાય ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય રાજ્યોમાં હુમલા થયા છે. જમ્મુ કાશ્મીરમાં બીજેપી અને પીડીપી વચ્ચેનું ગઠબંધન થોડા દિવસો પહેલા તુટ્યું છે. આ પછી પીડીપીએ બીજેપી ઉપર પ્રહારો તેજ કરી દીધા છે.