(એજન્સી) મુઝફ્ફરનગર, તા. ૨૦
અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાના યોગી સરકારની મંજૂરીના થોડા દિવસો બાદ જ અન્ય શહેરોનું નામ બદલવા માટે કોલાહલ થઇ રહ્યું છે. ભાજપને સમર્થન કરતા અન્ય હિંદુ બજરંગ દળ જેવા જૂથોએ હવે મુઝફ્ફરનગરનું નામ લક્ષ્મીનગર કરવાની માગણી કરી છે. મુઝફ્ફરનગરના ભાજપના ધારાસભ્ય કપિલદેવ અગરવાલે દાવોકર્યો છે કે, મુઘલકાળમાં આ શહેરનું નામ લક્ષ્મીનગર હતું જેને બદલીને મુઝફ્ફરનગર કરાયું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, ગયા વર્ષે તેમણે યોગી આદિત્યનાથ સરકાર સમક્ષ આ અંગેનો પ્રસ્તાવ મુકયો છે.
અગરવાલે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ કોઇ નવી માગ નથી. ૧૯૮૩માં વિશ્વ હિંદુ પરિષદે મુઝફ્ફરનગરમાં એક યજ્ઞ કર્યો હતો અને તેનું નામ બદલવા માગણી કરી હતી. હવે મુઘલો રહ્યા નથી તો શા માટે આપણે તેમનું શાસન હવે જાળવી રાખીએ ? છેલ્લા ઘણા સમયથી મુઝફ્ફરનગરમાં લક્ષ્મીનગર જિલ્લાના નામના બેનરો તથા હોર્ડિંગોનો ઉપયોગ કરનાર બજરંગ દળે હવે ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દાને ચગાવવાનું શરૂ કર્યું છે અને લોકોમાં જાગૃતિ લાવવાની શરૂઆત કરી છે. બજરંગ દળના જિલ્લા કન્વીનર અંકુર રાણાએ કહ્યું કે, ૨૦૦૦ વર્ષ પહેલા આ પ્રાંતને લક્ષ્મીનગર કહેવાતું હતું. અમે ઘણા વર્ષોથી નામ બદલવાના પ્રયાસ કરી રહ્યા છીએ. મુઝફ્ફરનગર એસડી ડિગ્રી કોલેજના ઇતિહાસના હેડ અજયપાલ સિંહે જોકે, કહ્યું છે કે, તેઓ આ જિલ્લાના નામ વિશે માહિતી નથી.